કચ્છ જિલ્લામાં ટ્રેનની અડફેટે આવી જતાં 30 વર્ષીય મહિલા અને તેના બે મહિનાના બાળક સહિત તેના બે પુત્રોનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. આ ઘટનાની જાણકારી પોલીસે રવિવારે આપી હતી. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો ગાંધીધામ રેલવે પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે કચ્છ એક્સપ્રેસ ટ્રેન મુંબઈ તરફ જઈ રહી હતી ત્યારે ભીમાસર રેલવે સ્ટેશન નજીક શુક્રવારે રાત્રે આ ઘટના બની હતી. પોલીસે જણાવ્યું હતું કે એક દંપતી તેમના બે બાળકો સાથે રેલવે ટ્રેક ક્રોસ કરી રહ્યું હતું ત્યારે તેમાંથી ત્રણ લોકો ટ્રેનની અડફેટે આવી ગયા હતા.જેના કારણે આ દર્દનાક ઘટના બની હતી. ભોગ બનનાર દંપતી અંજાર નજીક એક કારખાનામાં કામ કરતા હતા.
અધિકારીએ વધુમાં તેમણે જણાવ્યું કે ગાંધીધામથી ચાલતી કચ્છ એક્સપ્રેસ ટ્રેન ભચાઉ તરફ જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. આ દંપતી તેમના બાળકો સાથે બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના લવણા ગામથી નીકળ્યા હતા અને ભીમાસર રેલ્વે સ્ટેશન પર ઉતર્યા હતા પોલીસે જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ જનતાભાઈ વાલ્મીકી (માતા), તેમના 9 વર્ષના પુત્ર મહેશ તરીકે થઈ હતી. મહિલાએ બે મહિના પહેલા પુત્ર રાજકુમારના જન્મો આપ્યો હતો. આ અકસ્માતમાં મહિલાના પતિને કોઈ ઈજા થઈ નથી. અધિકારીઓએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ બાદ મૃતદેહો સંબંધીઓને સોંપવામાં આવ્યા છે. ઘટનાને પગલે પરિવારમાં શોકનો માહોલ છે.
આ ઘટનામાં હાલ તો પોલીસે સમગ્ર ઘટનાની માહિતી મેળવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ આગામી સમયમાં આવી ઘટનાઓ ન બને તે માટે લોકોને સાવચેતી રાખવા માટે પણ અપીલ કરવામાં આવી છે.