ભારતીય ટીમના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ચેમ્પિયન્સ ટ્રોફીની ટીમમાંથી બહાર રાખવામાં આવ્યો છે. ૧૯ ફેબ્રુઆરીથી શરૂ થનારી આઠ ટીમોની ટુર્નામેન્ટ માટે ભારતે શનિવારે ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. ભારતે તેની બધી જ મેચ દુબઈમાં રમવાની છે. દુબઈની પિચો ઝડપી બોલરોને વધુ મદદ કરતી નથી, તેથી, વેસ્ટ ઈન્ડિઝમાં યોજાયેલા T20 વર્લ્ડ કપની જેમ, ભારતે ચાર સ્પિનરો – કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને વોશિંગ્ટન સુંદરની ભારતીટ ટીમમાં પસંદગી કરી છે.
વાનખેડે સ્ટેડિયમમાં ટીમની જાહેરાત કર્યા પછી ભારતીય કેપ્ટન રોહિત શર્માએ મીડિયાને જણાવ્યું હતું કે, “અમે એવી ટીમ ઇચ્છતા હતા જેમાં અમારી પાસે બંને વિકલ્પો હોય, એટલે કે નવા બોલથી બોલિંગ કરવી અને ડેથ ઓવરમાં પણ.” જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડ સામે પહેલી બે વનડે માટે ઉપલબ્ધ નથી અને 12 ફેબ્રુઆરીએ અમદાવાદમાં છેલ્લી મેચ માટે જ પરત ફરશે. હર્ષિત રાણાને નાગપુર અને કટકમાં રમાનારી પ્રથમ બે વનડે માટે પસંદ કરવામાં આવ્યો છે. રોહિતે સ્વીકાર્યું કે સિરાજની ગેરહાજરીમાં ટીમમાં અનુભવનો અભાવ છે પરંતુ તેણે આ નિર્ણયનું કારણ પણ સમજાવ્યું. તેમણે કહ્યું, “અમે ઇચ્છતા હતા કે અર્શદીપ સિંહ અંતમાં બોલિંગ કરે અને મોહમ્મદ શમી નવા બોલથી બોલિંગ કરે. જો સિરાજ નવા બોલથી બોલિંગ ન કરે તો તે એટલો પ્રભાવ પાડી શકશે નહીં.
“અમે આ અંગે વિગતવાર ચર્ચા કરી છે અને અમે ફક્ત ત્રણ ઝડપી બોલરો લઈ રહ્યા છીએ કારણ કે અમે ઇચ્છીએ છીએ કે બધા ઓલરાઉન્ડર ઉપલબ્ધ રહે. સિરાજ માટે આ દુર્ભાગ્યપૂર્ણ છે પણ અમારી પાસે કોઈ વિકલ્પ નહોતો. અમને ખાસ ભૂમિકાઓ માટે ખાસ ખેલાડીઓની જરૂર છે.”