દેશમાં પત્રકારોની સુરક્ષા પર મોટો સવાલો ઊભા થઈ રહ્યા છે.. આ બધાં વચ્ચે છત્તીસગઢના સૂરજપુર જિલ્લામાંથી એક મોટી ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં એક પત્રકારના આખા પરિવારની કરપીણ હત્યા કરવામાં આવી છે. હુમલાખોરોએ પત્રકારના માતા-પિતા અને ભાઈની કુહાડીથી હત્યા કરી નાખી. જમીનના વિવાદને કારણે કાકા અને સંબંધીઓએ આ ઘટનાને અંજામ આપ્યો હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે મૃતદેહોને કબજામાં લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શું છે સમગ્ર મામલો ?
આ ઘટના સૂરજપુરના ખરગવાન પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના જગન્નાથપુરમાં બની હતી, જ્યાં પત્રકારના પરિવાર, તેના કાકા અને અન્ય સંબંધીઓ વચ્ચે મિલકતનો વિવાદ ચાલી રહ્યો હતો. શુક્રવારે પત્રકારના માતા-પિતા અને ભાઈ ખેતરમાં કામ કરી રહ્યા હતા. આ સમય દરમિયાન, પત્રકારના પરિવારનો તેના કાકા અને સંબંધીઓ સાથે ઝઘડો થયો હતો અને બાદમાં આ ઝઘડો લોહિયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો.
પત્રકારના માતા-પિતા અને ભાઈની હત્યા
વિવાદ વધતાં, પત્રકારના કાકા અને સંબંધીઓએ તેના માતાપિતા અને ભાઈ પર હુમલો કર્યો હતો અને ત્રણેયને તીક્ષ્ણ હથિયાર, કુહાડીના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધા હતા. આ હુમલાને કારણે, માતા અને ભાઈનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું, જ્યારે પિતાનું પણ હોસ્પિટલ લઈ જતી વખતે મૃત્યુ થયું હતુ. પોલીસે મૃતદેહોને કબજે કરીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધા છે અને સમગ્ર મામલાની તપાસ હાથ ધરી છે.
કાકા અને સગાં વિરુદ્ધ કેસ દાખલ
આ ઘટનાને અંજામ આપ્યા પછી આરોપી ભાગી ગયા હતા. ઘટનાની માહિતી મળતા જ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને મામલાની તપાસ કરી હતી. પોલીસે પત્રકારના કાકા અને અન્ય સંબંધીઓ સામે કેસ નોંધ્યો છે. તેમજ, પોલીસે આરોપીઓને શોધવા ચક્રો ગતિનામ કર્યા છે.