છત્તીસગઢના બીજાપુરમાં શુક્રવારે ગુમ થયેલા પત્રકાર મુકેશ ચંદ્રાકરનો મૃતદેહ મળી આવ્યો..મુકેશ દેશભરમાં નક્સલ બાબતો પર પત્રકારત્વમાં જાણીતું નામ હતું. તે 1 જાન્યુઆરીથી ગુમ હતો. પરંતુ બે દિવસ બાદ શુક્રવારે પત્રકાર મુકેશનો મૃતદેહ કોન્ટ્રાક્ટરની કન્સ્ટ્રક્શન કંપનીમાં બનેલી સેપ્ટિક ટાંકીમાંથી મળી આવ્યો હતો. મુકેશે થોડા દિવસ પહેલા ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો.
છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ પત્રકારની હત્યા પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બીજાપુરના યુવા અને સમર્પિત પત્રકાર મુકેશ ચંદ્રાકરની હત્યાના સમાચાર અત્યંત દુઃખદ અને હૃદયદ્રાવક છે. મુકેશે ટેકુલગુડેમમાં અપહરણ કરાયેલા CRPF જવાન રાકેશ્વર મનહાસને છોડાવવામાં સરકાર અને નક્સલવાદીઓ વચ્ચેની વાતચીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.
મૃતકના શરીર પર નિશાન જોવા મળ્યા
શુક્રવારે સાંજે 7 વાગ્યાની આસપાસ પોલીસે સેપ્ટિક ટાંકીમાંથી લાશને બહાર કાઢી હતી. મૃતદેહ પર 8-10 જગ્યાએ ઘાના નિશાન જોવા મળ્યા હતા. આ બાંધકામ કંપની કોન્ટ્રાક્ટર અને છત્તીસગઢ પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના પ્રદેશ મહામંત્રી સુરેશ ચંદ્રાકરની છે. છત્તીસગઢના સીએમએ કહ્યું કે આ ઘટનામાં સામેલ કોઈપણ ગુનેગારને છોડવામાં આવશે નહીં. બીજી તરફ પત્રકારોએ પણ ઘટનાના વિરોધમાં શનિવારે બીજાપુર બંધનું એલાન આપ્યું છે.
મુકેશની ઘાતકી હત્યા !
મૃતદેહ જોતા સ્પષ્ટ થયું કે પત્રકારની નિર્દયતાથી હત્યા કરવામાં આવી છે. માથાના પાછળના ભાગે ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા. હત્યા બાદ લાશને સેપ્ટિક ટેન્કમાં ફેંકી દીધી હતી. આ પછી, તેના પર પ્લાસ્ટરિંગ કરવામાં આવ્યું, જેથી કોઈને આ ઘટના અંગે ખબર ન પડે. શુક્રવારે સાંજે 4.30 વાગ્યાની આસપાસ પોલીસે સેપ્ટિક ટેન્કનું ફ્લોરિંગ તોડી નાખ્યું હતું. આ પછી અંદર મૃતદેહ જોવા મળ્યો હતો.
પરિવારને કોંગ્રેસના નેતા પર શંકા છે
ઘટના બાદ કોંગ્રેસ નેતા સુરેશ અને તેનો નાનો ભાઈ રિતેશ ચંદ્રાકર ફરાર છે. તેનું થાર વાહન હૈદરાબાદમાંથી મળી આવ્યું છે. મુકેશનો મોટો ભાઈ યુકેશ પણ પત્રકાર છે. તેણે જણાવ્યું કે મુકેશ 1 જાન્યુઆરીના રોજ રાત્રે 8.30 વાગ્યા સુધી ઘરે હતો. પરંતુ મોડી રાત્રે કેટલાક લોકો તેને બોલાવવા આવ્યા હતા. ત્યારથી તે ગુમ હતો. આ પછી પોલીસને જાણ કરવામાં આવી હતી. પરિવારે હત્યા પાછળ કોંગ્રેસ નેતા સુરેશનો હાથ હોવાની આશંકા વ્યક્ત કરી છે.
મોબાઈલ લોકેશન પરથી પોલીસ પહોંચી
પરિવારની ફરિયાદના આધારે, બીજાપુરના એસપી જિતેન્દ્ર યાદવ અને અધિક પોલીસ અધિક્ષક ચંદ્રકાંત ગોવર્નાની આગેવાની હેઠળની વિશેષ પોલીસ ટીમોએ કેસની તપાસ કરી. ASP ચંદ્રકાંત ગોવર્ણાના જણાવ્યા અનુસાર મુકેશના મોબાઈલનું છેલ્લું લોકેશન કોંગ્રેસ નેતાની કન્સ્ટ્રક્શન કંપનીમાં મળી આવ્યું હતું. આ પછી ફોન સ્વીચ ઓફ થઈ ગયો હતો. કોંગ્રેસના નેતાની આ કંપની છટપરામાં આવેલી છે.
કોણ છે સુરેશ?
કોંગ્રેસના નેતા સુરેશ મૂળ બાસાગુડાના છે. પરંતુ સલવા જુડુમ આંદોલન પછી તેમનો પરિવાર બીજાપુરમાં રહેવા લાગ્યો. અહીં સુરેશે કોન્ટ્રાક્ટનું કામ શરૂ કર્યું. થોડી જ વારમાં તે મોટો કોન્ટ્રાક્ટર બની ગયો. 2021 માં, તે ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે તેણે હેલિકોપ્ટર દ્વારા લગ્નનો વરઘોડો કાઢ્યો હતો. એવું પણ સામે આવી રહ્યું છે કે મુકેશ અને સુરેશ સગા હતા.
કોંગ્રેસના નેતા અને કોન્ટ્રાક્ટર સુરેશે થોડા દિવસો પહેલા ગંગાલુર રોડ બનાવ્યો હતો. પરંતુ મુકેશ ચંદ્રાકરે તેમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો હતો. મુકેશના રિપોર્ટ બાદ જ પ્રશાસને મામલાની તપાસ શરૂ કરી હતી. કહેવામાં આવી રહ્યું છે કે આ કારણે સુરેશ પત્રકાર મુકેશથી નારાજ હતો.