મહારાષ્ટ્રના જલગાંવમાં બુધવારે મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ હતી.. પુષ્પક એક્સપ્રેસમાં આગ લાગી હોવાની અફવા બાદ મુસાફરો ટ્રેનમાંથી રેલ્વેના પાટા પરથી કૂદી પડ્યા હતા. આ દરમ્યાન બીજી એક ટ્રેન અન્ય પાટા પર આવી જતા પાટા પર ઉભેલા લોકોને અડફેટે લેતા અત્યારે જ્યારે આ સમાચાર લખાય રહ્યા છે તે સમયે કુલ 11 જેટલા લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.. જ્યારે 20થી વધારે લોકો ઈજાગ્રસ્ત થતા તમામને સારવાર માટે નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પુષ્પક એક્સપ્રેસ ટ્રેન લખનઉથી મુંબઈ તરફ જઈ રહી હતી તે દરમ્યાન આ ઘટના બની હતી.
રેલવેના CPROનું દુર્ઘટના અંગે નિવેદન
આ ઘટના બાદ રેલવેના CPROનું દુર્ઘટના અંગે નિવેદન સામે આવ્યું હતું તેમાં તેમણે જણાવ્યું હતું કે, કેટલાક મુસાફરો ટ્રેક પર ઉતર્યા હતા આ દરમ્યાન બીજી દિશામાંથી આવતી ટ્રેનની અડફેટે પાટા પર ઊભેલા લોકો આવી ગયા હતા. કર્ણાટક એક્સપ્રેસ ટ્રેનની અડફેટે મુસાફર આવી જતા આ દુર્ઘટના સજાઈ હતી. આ ઘટના સમયે ટ્રેનમાં ‘ACP’ એટલે અલાર્મ ચેન પુલિંગ થઈ હતી પરંતુ ચેઈન ચેન પુલિંગ કેમ થયું, તેની રેલવે પાસે હાલ જાણકારી ન હોવાની માહિતી આપી હતી.
તપાસમાં સામે આવ્યું આ કારણ ?
રેલ્વે અધિકારીઓની અત્યાર સુધીની તપાસમાં રેલવે તરફથી મળેલી માહિતી મુજબ, બ્રેક બાઈન્ડિંગને કારણે ચોથા જનરલ ડબ્બામાં પુષ્પક એક્સપ્રેસના એન્જિનમાંથી ધુમાડો નીકળ્યો હતો. આ અફવા પછી ચેઇન પુલિંગ થયું. આ પછી મુસાફરો નીચે ઉતરીને પાટા પર ઉતરી ગયા હતા. તે દરમ્યાન કર્ણાટક એક્સપ્રેસ ટ્રેન અચાનક આવી જતા અકસ્માતમાં 11 લોકોના મોત થયા હતા.
અમિત શાહે દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે મહારાષ્ટ્રના જલગાંવમાં થયેલી ટ્રેન દુર્ઘટના અત્યંત દુઃખદ છે. આ સંદર્ભે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી અને અકસ્માતની માહિતી મેળવી. સ્થાનિક વહીવટીતંત્ર ઘાયલોને શક્ય તમામ મદદ પૂરી પાડી રહ્યું છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના પરિવારો પ્રત્યે હું ઊંડી સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું.
આ ઘટના બાદ તમામ ઈજાગ્રસ્તને સારવાર માટે ખસેડી દેવામાં આવ્યા છે. અને જેટલા પણ લોકો મોતને ભેટ્યા છે.તેમના સગા સંબંધીઓને સંપર્ક કરવામાં આવ્યો છે. તેમજ રેલ્વેની તપાસ અને બચાવ ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી દીધી છે.