ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી 10 વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મની હૃદયવિદારક ઘટના સામે સમગ્ર સમાજમાં શોક અને આક્રોશ વ્યાપ્યો છે. આ ઘટનામાં બાળકીના મૃત્યુથી પ્રજા હચમચી ગઈ છે.
25 ડિસેમ્બર 2024, બુધવારે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ભુમલિયા ગામના યુવા શક્તિ સંગઠનના યુવાનો દ્વારા કેન્ડલ માર્ચ યોજવામાં આવી. આ કાર્યક્રમમાં બાળકીની આત્માને શાંતિ મળે તે માટે મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી.
કેન્ડલ માર્ચ દરમિયાન યુવાનોએ હિંસક કૃત્યમાં સામેલ દુષ્કર્મી નરાધમને તાત્કાલિક ફાંસીની સજા કરવાની માગ કરી. ઉપરાંત, આવી દુઃખદ ઘટનાઓ ફરી ન બને તે માટે સરકારને કડક પગલાં લેવા પ્રબળ અનુરોધ કર્યો.
આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ગામના આગેવાન વિનોદકુમાર તડવી અને યુવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયો, જેમાં સામાજિક અને માનવતાના મૂલ્યો પ્રબળતાથી પ્રદર્શિત થયા.
ઝઘડિયાના જીઆઈડીસી વિસ્તારમાં 10 વર્ષિય બાળકી સાથે દુષ્કર્મની ઘટના બાદ લાંબી સારવાર બાદ બાળકીનું મોત થયું હતું. આ ઘટનામાં પોલીસે પાપી આરોપીને ઝડપી જેલમાં પૂરી દીધો છે. જ્યારે પીડિતાનો પરિવાર ન્યાય માટે ફાંફા મારી રહ્યો છે. ઝારખંડથી થોડા સમય પહેલા પરિવાર મજૂરી માટે ભરૂચના ઝઘડિયા વિસ્તારમાં આવેલી જીઆઈડીસીમાં આવ્યો હતો. જ્યાં બાળકી સાથે દુષ્કર્મની ઘટના બની હતી.