તાપી જિલ્લા કોકણી-કુનબી-કુકણા સમાજ વિકાસ મંડળ વ્યારા દ્વારા કરંજખેડ દૂધ ઉત્પાદન મંડળીના સભાગૃહમાં મીટિગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ડોલવણ તાલુકાના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ મીટિંગમાં ડૉ. રશ્મિકાંત કોકણીને અધ્યક્ષ તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. જેની દરખાસ્ત રાજેશ કોકણીએ કરી હતી અને સરપંચ મહેશે ટેકો જાહેર કર્યો હતો. કરંજ ખેડના સરપંચ મહેશ કોકણીએ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું.

પ્રમુખ આનંદ બાગુલ સાહેબે સમાજના વિકાસલક્ષી કાર્યો માટે આજીવન તથા વાર્ષિક સભ્યપદ લેવાની બાબત મુદ્દે ચર્ચા કરી હતી. તેમણે ઇન્કમટેક્ષમાંથી રાહત મેળવવા, સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે યુવાનોને પ્રોત્સાહન આપવા અને ઉચ્ચ હોદ્દા ધરાવતા અધિકારીઓ મારફતે માર્ગદર્શન પૂરૂ પાડવાની માહિતી આપી હતી.
સમાજના આગેવાન ભીમસિંગ કોકણીએ તાપી જિલ્લામાં સાંસ્કૃતિક ભવન નિર્માણ માટે જમીન મેળવવા અંગે મહત્વની રજૂઆત કરી. મંડળના ઉપપ્રમુખ રાજેશ કોકણીએ પ્રકૃતિ પૂજક પરંપરા જાળવવા, વાજિંત્રો અને પહેરવેશનો જતન કરવા માટે સૌને હાકલ કરી હતી.

શિક્ષક ચંપક કોકણીએ શિક્ષણ માટે જાગૃતિ લાવવા અને લાઇબ્રેરીનો ઉપયોગ કરવા યુવાનોને પ્રોત્સાહિત કર્યુ. આર.એફ.ઓ. સમીર કોકણીએ પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ માટે આપણી જવાબદારી વિશે માર્ગદર્શન આપ્યું હતું.
મંડળના મંત્રી તુલસીરામ ભોયેએ કોકણી બોલી જન્મ મરણના રીત રિવાજો અને સંસ્કૃતિને સંરક્ષિત રાખવા પર ભાર મૂક્યો હતો. જ્યારે જયદીપ ગાંવિતે સમાજમાં મતભેદ ભૂલીને સંગઠિત થવા માટે પ્રેરણા આપી હતી. સોનગઢના પ્રમુખ અમિતે સમાજને એકત્ર કરીને વિકાસ માટે મહત્વપૂર્ણ સૂચનો કર્યા હતા આ પ્રસંગે તાપી જિલ્લા કોકણી સમાજ વિકાસ મંડળ તરફથી કરંજખેડ લાઇબ્રેરીને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ માટે વર્ગ ૧,૨ અને ૩ના પુસ્તકો દાનમાં આપવામાં આવ્યા હતા.

આ મીટીંગ દરમિયાન કુલ ૧૦ જેટલા નવા આજીવન સભ્યો ઉમેરાયા હતા. મીટીંગનું કુશળ સંચાલન ઉપપ્રમુખ રાજેશ કોકણીએ કર્યું હતું. અધ્યક્ષ ડૉ. રશ્મિકાંત કોકણીએ પ્રગતિ માટે મહેનત, એકતા અને સંગઠિત પ્રયત્નોની મહત્વતા પર પ્રકાશ પાડ્યો હતો. આ મીટીંગના અંતે સોમુભાઈએ સૌનો આભાર વ્યક્ત કરી મીટિંગની પુર્ણાહુતી જાહેર કરી.