સોનગઢ તાલુકા પંચાયતની મહિલા કોંગ્રેસના સભ્યને ઢોર માર મારવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર ગંભીર રીતે ઈજાગ્રસ્ત મહિલા સભ્ય 19 ઓક્ટોબરે તાલુકા પંચાયતની સામાન્ય સભા પૂરી કરી પોતાની નાની દિકરી સાથે પોતાના ઘર તરફ એક્ટિવા પર જઈ રહી હતી ત્યારે રાણીઆંબા ફાટક પાસે કેટલીક મહિલાઓ અને કેટલાક શખ્સોએ મહિલાને રસ્તા વચ્ચે અટકાવી ઢોર માર માર્યો હતો. તેમજ મહિલા કોંગ્રેસના સભ્યાના વાળ કાપી નાખ્યા હતા.
હુમલાની આ ઘટના અનૈતિક સબંધના કારણે થઈ હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે, 5થી 7 લોકોએ મહિલાને આડેધડ માર મારતા મહિલાના કમરના ભાગે અને હાથમાં ફેંકચર થયું હતું. જેથી મહિલાને સોનગઢ સિવિલમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે વ્યારાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. હાલમાં આ મહિલાની તબિયત સારી હોવાની માહિતી મળી રહી છે. તો બીજી તરફ પીડિત મહિલાએ આ મામલે કોસંબિયાના રહેવાસી શોભનાબેન લાલસિંગ ગામીત સામે ફરિયાદ કરતા પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.