ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ મુખ્યમંત્રીને પત્ર લખી ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન અને નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ગંભીર આક્ષેપ લગાવ્યા છે. પત્રમાં તેમણે જણાવ્યું છે કે આ અધિકારીઓ ચુંટાયેલા પ્રતિનિધિઓને ગુનાઓ વિના ખોટી રીતે હેરાન પરેશાન કરે છે અને ધમકાવે છે.
શું છે સમગ્ર મામલો ?
સાંસદ વસાવાના જણાવ્યા મુજબ, બે મહિના પહેલા નબીપુર પોલીસ સ્ટેશનના પીઆઇ પરમાર સાહેબે નિકોરા ગામે જીલ્લા પંચાયત સભ્ય ભાવનાબેન વસાવાના ઘરમાં ઘૂસી તોડફોડ કરી હતી. 7 ફેબ્રુઆરી 2025ના રોજ તેઓ ફરીથી તેમના ઘરે ગયા, આખું ઘર ખંધી નાખ્યું અને તીજોરી પણ ખોલાવી. પોલીસના આ જથ્થાએ ભાવનાબેનના પિતા રામજીભાઈ વસાવા અને માતા ચંપાબેન વસાવાને ઈંગ્લિશ દારૂના વેપારના આરોપો લગાવ્યા, જે પરિવારજનોને સ્વીકાર્ય નહોતું. પોલીસે કોઈપણ પ્રકારનો દારૂ ન મળ્યાના છતાં પણ પરિવાર સાથે ખોટો વ્યવહાર કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓએ નર્મદા નદી કિનારે મછુઆરાઓની નાવડી અને જાળ પણ રફેદફે કરી નાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
આમલેથા પોલીસ સ્ટેશનનો વિવાદ
નર્મદા જિલ્લાના આમલેથા પોલીસ સ્ટેશનના અધિકારીઓ પર ઢોલાર ગામના તાલુકા પંચાયત સભ્ય હિતેશભાઈ વસાવા અને તેમના પરિવાર સાથે દુરવ્યવહાર કર્યાનો આરોપ છે. જણાવવામાં આવ્યું છે કે હિતેશભાઈ પ્રયાગરાજ કુંભ મેળામાં ગયા હતા, તેમ છતાં તેમને ગુનામાં ફસાવવાનો પ્રયાસ થયો.
સાંસદ વસાવાની માંગ
સાંસદ મનસુખ વસાવાએ પત્ર દ્વારા રાજ્ય સરકારને આ બંને પોલીસ અધિકારીઓ સામે ઉચ્ચ સ્તરીય તપાસ અને કાયદેસર કાર્યવાહી કરવાની માગણી કરી છે. તેમણે દાવો કર્યો કે મોટા ગુનેગારોને છોડીને પોલીસ નિર્દોષ અને ચુંટાયેલા પ્રતિનિધિઓ પર જુલ્મ ગુજારે છે, જે ન્યાયપ્રિય સરકારમાં અયોગ્ય છે. આ મામલે સરકાર શું પગલાં લેશે તે જોવું રહ્યું.