દેશમાં ફરી એકવાર શનિવારની રાત્રે નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર અચાનક નાસભાગ મચી ગઈ હતી. અંહી મહાકુંભમાં જવા માટે રેલ્વે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૩-૧૪ પર ભીડ ક્ષમતા કરતાં વધારે વધી હતી. જેના કારણે અનેક મુસાફરો ગૂંગળામણને કારણે બેભાન થઈ ગયા હતા. ભારે ભીડ બાદ ટ્રેન આવતા નાસભાગની ઘટનાની બની જેમાં આ સમાચાર જ્યારે લખાય રહ્યા ત્યાં સુધીમાં કુલ 18 લોકોના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે. જ્યારે મોટી સંખ્યામાં લોકો હોસ્પિટલમાં પોતાના જીવન માટે લડી રહ્યા છે. અકસ્માતમાં જીવ ગુમાવનારાઓના નામ જાહેર કરવામાં આવ્યા છે. મોટાભાગના મૃત્યુમાં બિહારના મુસાફરો હોવાના અહેવાલ છે. કુલ 18 મૃતકોમાં ૧૪ મહિલાઓનો સમાવેશ થયો છે.
ઘટના શનિવારે રાત્રે બની હતી
મોતની આ ઘટના શનિવારે રાત્રે ૧૦ વાગ્યાની આસપાસ બની હતી. લોકો પ્રયાગરાજ એક્સપ્રેસ ટ્રેનની રાહ જોઈ રહ્યા હતા. બે ટ્રેનો પણ મોડી ચાલી રહી હતી. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે ટ્રેનોને રોકવા માટે પ્લેટફોર્મ નંબર બદલવાની રેલવે દ્વારા વારંવાર જાહેરાતોને કારણે પણ ભાગદોડ મચી હતી. પ્લેટફોર્મ નંબર ૧૨, ૧૩, ૧૪, ૧૫ અને ૧૬ પર એટલી ભીડ હતી કે તહેવારોમાં પણ આટલી ભીડ ક્યારેય જોવા મળતી નથી.
મૃતકોમાં મોટા ભાગના લોકો બિહારના રહેવાસીઓ
મૃતકોમાં 9 મહિલાઓ, 4 પુરુષો અને 4 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં જીવ ગુમાવનારા ૧૮ લોકોમાંથી ૯ મહિલાઓ છે. આમાંથી સૌથી વધુ ૯ બિહારના, ૮ દિલ્હીના અને ૧ હરિયાણાના છે. અકસ્માત સમયે, હજારો શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ મહાકુંભમાં જવા માટે સ્ટેશન પર હતા અને ટ્રેનમાં ચઢવાનો પ્રયાસ કરી રહ્યા હતા.
રેલ્વે વિભાગે વળતરની કરી જાહેરાત
આ ઘટના બાદ રેલ્વે વિભાગે ભાગદોડમાં જીવ ગુમાવનારા અને ઘાયલ થયેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે. મૃતકોના પરિવારજનોને 10 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. જ્યારે ઈજાગ્રસ્ત થયેલા લોકો માટે 2.5 લાખ રૂપિયા અને નાના ઘાયલ થયેલા લોકો માટે 1 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરવામાં આવી હતી. આ ઘટના મુદ્દે રેલ્વે વિભાગની વિવિધ ટીમો તપાસ કરી રહી છે. ઘટના બાદ રેલ્વે વિભાગે મૃતકોના પરિવારોને રૂપિયા આપી સંતોષ માની લીધો પણ જે પરિવારે પોતાના સંતાન ગુમાવ્યા આનો હિસાબ કોણ આપશે તે મોટો સવાલ થઈ રહ્યો છે