લોક સમાચાર,નર્મદા
એક તરફ સરકારના ડિજિટલ ઇન્ડિયા, ડિજિટલ ગુજરાત,અમૃતકાળ સુવર્ણયુગ જેવા મોટા મોટા શબ્દો માત્ર પોસ્ટર હોડિંગસ પર સારા લાગે, સરકાર સેવા સેતુ કાર્યક્રમ થકી લોકોને સરળતાથી લાભ મળી રહ્યાના દાવાઓ કરે છે પરંતુ આદિવાસી વિસ્તારોમાં વાસ્તવિકતાઓ કંઇક સરકારના આ બધા દાવાઓ ખોખલા સાબિત કરી બતાવે છે.
આ ખોખલા દાવાઓ સાબિત કરે છે નર્મદા જિલ્લાના દેડીયાપાડા ખાતે સવાર થી મોડી રાત સુધી લાઈનોમાં આધાર કાર્ડ અપડેટ માટે લાભાર્થીઓની લાઈનો લાગી હતી. આધાર કાર્ડ કેન્દ્રો બરોબર ચાલતા ન હોવાથી દૂર દૂર થી કામ ધંધા છોડીને આવેલા લોકો હેરાન થાય છે.
આપને જણાવી દઇએ કે, સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તમામ શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી બાળકોને શિષ્યવૃત્તિ માટે દરેક બાળકોના રેશનકાર્ડમાં બાળકનું હોવુ જોઈએ, આધારકાર્ડ નંબર, આધાર કાર્ડમાં લખેલા નામ મુજબ મોબાઈલ નંબર, બેંક ખાતા નંબર અપડેટ કરાવી શાળાના બાળકના વર્ગ શિક્ષકોને એક નકલ જમા કરાવવાનું જણાવેલ છે. જેથી શિષ્યવૃતિની ઓનલાઈન કામગીરી થઈ શકે એવી સૂચનાઓ શિક્ષણ વિભાગ દ્વારા આપવામાં આવેલ છે.
આ મુદ્દે સ્થાનિકોની અનેક રજૂઆતો છતાં કોઈ ઉકેલ ના આવતાં ધારાસભ્ય ચૈતર વસાવાએ કલેક્ટર અને પ્રાંત અધિકારી દેડીયાપાડાને લેખિત રજૂઆત કરી છે. જોઈએ હવે તંત્ર કોઈ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરે છે કે નહિ. જિલ્લામાં બધે જ આધાર કેન્દ્રોની જરૂર હોય દેડીયાપાડા ખાતે કર્મચારીઓ વધારીને લોકોના કામ કરી આપે છે કે કેમ એ જોવું રહ્યું.
આ બાબતે દેડીયાપાડા તાલુકાના વેલિયાસર ગામના કોકિલાબેન મહેશભાઇ વસાવા જણાવ્યું કે, અમે આધાર કાર્ડ માટે આવ્યા છે. ત્રણથી ચાર દિવસથી અહિયાં આવીએ છે. આધાર CSC સેન્ટર બેડવાન, કેવડી પણ બંધ છે. અહિયાં ભીડ વધારે છે. અહિયાં નંબર લાગતો નથી. અમે ખેડૂત તો નથી અમે મજૂરી કરીએ છીએ. અમે ક્યાંથી પૈસા લાવીએ અને છોકરાને પણ શાળામાં રજા પડે છે. એને નાસ્તો કરવો હોઈ તો પૈસા હોઈ તો કરાવીએને. અમારી એ માગ છે કે, અમારા છોકરાનું આધારકાર્ડ જલ્દી અપડેટ થઈ જાય પણ અહિયાં કોઈ નિર્ણય નથી આવતો. જેથી રાત રોકાણ કરવું પડે જેથી બીજા દિવસ જલ્દી નંબર આવે