રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી પોલીસ ભરતીની તૈયારી કરતા ઉમેદવારો માટે હવે મહત્ત્વનાં સમાચાર આવ્યા છે. પોલીસ ભરતી માટે તારીખની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતી બોર્ડ (Gujarat Police Recruitment Board) દ્વારા કરાયેલ જાહેરાત અનુસાર શારીરિક કસોટીનું 8 જાન્યુઆરીથી આયોજન કરાશે. જ્યારે, 1 લી જાન્યુઆરીથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે.
8 જાન્યુઆરીથી શારીરિક કસોટી લેવાશે
ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આજે ઉમેદવારો માટે મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે. પોલીસ ભરતી માટે લેવાતી શારીરિક કસોટીનું (Physical Test) આયોજન 8 જાન્યુઆરીથી થશે. જ્યારે, પરીક્ષા માટેનો કોલ લેટર 1 લી જાન્યુઆરીથી સત્તાવાર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. નોંધનીય છે કે, આ ભરતીમાં લાખો ઉમેદવારોએ ફોર્મ ભર્યાં છે. શારીરિક કસોટીની તારીખની જાહેરાત પર ઉમેદવારો મીટ માંડીને બેઠા હતા. જો કે, હવે તેમનાં ઇંતેજારનો અંત આવ્યો છે.
12 હજાર પોલીસકર્મીઓની કરાશે ભરતી
જણાવી દઈએ કે, ગુજરાત પોલીસમાં (Gujarat Police Job) આગામી સમયમાં 12 હજાર નવી ભરતી થવાની છે, જેમાં નવા 597 PSI ની ભરતી કરવામાં આવશે. જ્યારે, 6600 કોન્સ્ટેબલ સહિત SRP ની પણ ભરતી કરવામાં આવશે. ઉપરાંત, હથિયારી પોલીસ કોન્સ્ટેબલની 3302 પોસ્ટ પર ભરતી કરાશે, તો SRP ની 1000 પોસ્ટ અને જેલ સિપાહીની 1013 પોસ્ટ પર ભરતી કરાશે.