કઝાકિસ્તાનથી રશિયા જઈ રહેલા વિમાનમાં બુધવારે અચાનક આગ લાગતા હાહાકાર મચી ગયો હતો. ભીષણ અકસ્માતમાં કુલ 72 લોકો સવાર હતા. આ વિમાન દુર્ઘટનામાં મૃત્યુઆંક હવે 38 પર પહોંચી ગયો છે. આ દુર્ઘટના અક્તાઉ શહેરમાં એરપોર્ટ નજીક ત્યારે થઈ જ્યારે વિમાન ઈમરજન્સી લેન્ડિંગ દરમિયાન પક્ષી સાથે અથડાયું. મીડિયા સૂત્રોના જણાવ્યા અનુસાર કઝાકિસ્તાનના ઈમરજન્સી મંત્રાલયે આ જાણકારી આપી છે. કઝાકિસ્તાની મીડિયાએ અહેવાલ આપ્યો છે કે પેસેન્જર પ્લેનની અંદરની ઓક્સિજન ટાંકીમાં આગ લાગી હતી, જેના કારણે વિસ્ફોટ થયો હતો અને મુસાફરો દુર્ઘટના પહેલા જ બેભાન થવા લાગ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અઝરબૈજાન એરલાઈન્સની ફ્લાઈટ J2-8243 તેના નિર્ધારિત રૂટથી સેંકડો માઈલ દૂર ગઈ હતી. જ્યાં વિમાન કેસ્પિયન સમુદ્રના વિરુદ્ધ કિનારે દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. દુર્ઘટના અંગે રશિયન એવિએશન રેગ્યુલેટરીએ કહ્યું કે પ્લેન સાથે પક્ષી અથડાવાને કારણે આ મોટી દુર્ઘટના બની છે. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલટની સતર્કતાને કારણે 30થી વધુ લોકોના જીવ બચી ગયા છે. કઝાકિસ્તાનના અધિકારીઓએ મીડિયાને જણાવ્યું હતું કે આ દુર્ઘટના અક્તાઉ શહેરની નજીક ત્યારે થઈ જ્યારે વિમાન તેના નિર્ધારિત રૂટથી ભટકી ગયું.
અકસ્માતમાં મૃત્યુઆંક 38 પર પહોંચ્યો છે
મીડિયા સાથે વાત કરતા અઝરબૈજાન એરલાઈન્સે કહ્યું કે અત્યાર સુધીમાં પ્લેનમાં સવાર 38 લોકોના મોત થયા છે. કઝાકિસ્તાનના ડેપ્યુટી પીએમએ મીડિયાને માહિતી આપી હતી કે પ્લેન ક્રેશમાં મૃત્યુઆંક 38 પર પહોંચી ગયો છે. “બાકુ-ગ્રોઝની રૂટ પર કાર્યરત એક વિમાન અક્તાઉ શહેરની નજીક ક્રેશ થયું. આ અઝરબૈજાન એરલાઇન્સનું વિમાન છે,” કઝાકિસ્તાનના પરિવહન મંત્રાલયે સોશિયલ મીડિયાના ટેલિગ્રામ પ્લેટફોર્મ પર લખ્યું.
સોશિયલ મીડિયા પર પ્લેન ક્રેશના વિલક્ષણ વીડિયો અને તસવીરો
સોશ્યિલ મીડિયા પર પ્લેન આકાશમાંથી ઉતરી અને જમીન પર તૂટી પડવાની તસવીરો સામે આવી છે. તસવીરોમાં પ્લેન જમીન પર પડતું દેખાઈ રહ્યું છે, જે જમીનને અડતા જ આગના ગોળામાં ફેરવાઈ ગયું. દૂરથી કેટલીક તસવીરો સામે આવી છે, જેમાં વિમાન ક્રેશ થયા બાદ કેટલાય કિલોમીટર સુધી તેનો કાળો ધુમાડો દેખાઈ રહ્યો હતો. અન્ય ફોટામાં પ્લેનનો કાટમાળ જોવા મળી રહ્યો છે. આ ઘટના પડઘા સમગ્ર વિશ્વમાં પડ્યા છે કે, પ્લને ક્રેશ થતાં અચાનક 38 લોકોના મોત થતાં દૂનિયાના લોકો પણ આ દુ:ખની ઘટનામાં સહભાગી બન્યા છે.