છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષાદળોએ નક્સલીવિરોધી અભિયાનમાં રવિવારે મોટી સફળતા હાંસલ કરી છે. ડીઆરજી. એસટીએફ અને બસ્તર ફાઈટરની સંયુક્ત ટીમને ઈન્દ્રવતી નેશનલ પાર્ક વિસ્તારમાં હથિયારધારી નકસલીઓ હોવાની બાતમી મળી હતી. જે બાતમી બાદ તેમનો ધેરાવ કરવા માટે રવિવારે સવારે 8 વાગ્યાથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ દરમ્યાન નકસલીઓ તરફથી ગોળીબાર થયો હતો. બચાવમાં ભારતીય જવાનોએ પણ ફાયરિંગ કર્યું હતું. જેમાં 31 નક્સલીઓ ઠાર કરાયા હતા.
આ તમામના મૃતદેહ કબજે કરવામાં આવ્યા છે. જે કે, આ દરમ્યાન એસટીએફ અને ડીઆરજીનો એક જવાન પણ શહીદ થયો હતો. જ્યારે અન્ય બે જવાન ઈજાગ્રસ્ત થતાં તેમની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં તેમની હાલત સ્થિર છે. અન્ય નક્સલીઓની તલાશી માટે નેશનલ પાર્કના ગાઢ જંગલોમાં ઓપરેશન જારી છે. બસ્તર આઈજી સંદુરરાજ પી.એના જણાવ્યા અનુસાર આ નક્સલીઓની છેલ્લાં કેટલાક સમયથી હિલચાલ જોવા મળી હતી.
સાત દિવસમાં બીજી મોટી સફળતા મળી
બીજાપુરમાં 7 દિવસમાં આ બીજી અથડામણ છે. આ પહેલા ગંગાલુર વિસ્તારમાં 2 ફેબ્રુઆરીએ સુરક્ષાદળોની અથડામણમાં 8 નક્સલીઓ ઠાર મરાયા હતા. બીજી તરફ આ મહિને બીજાપુરમાંકુલ 39 નક્સલી માર્યા ગયા છે. એક વર્ષમાં આ બીજી મોટી અથડાણ છે. આ પહેલાં 4 ઓક્ટોબર 2024ના રોજ જવાનોએ અબુઝમાડના થુલથુલીમાં 38 નક્સલીઓને ઠાર માર્યા હતા.