કોલકાતાના ઇડન ગાર્ડન્સ ખાતે રમાયેલી T20 મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું છે. ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ વિસ્ફોટક પ્રદર્શન કર્યું. તેમણે 79 રનની ઇનિંગ રમી હતી આ જીત સાથે ભારતે પાંચ મેચની T20 શ્રેણીમાં 1-0થી લીડ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયા તરફથી વરુણ ચક્રવર્તી અને અર્શદીપ સિંહે ઘાતક બોલિંગ કરી. અક્ષર પટેલે પણ પોતાનો જાદુ બતાવ્યો. ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા લક્ષ્યનો પીછો કરવા માટે ભારતીય ટીમ માટે સંજુ સેમસન અને અભિષેક શર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. આ દરમિયાન, સેમસન 26 રન બનાવીને આઉટ થયો હતો. તેણે 20 બોલનો સામનો કર્યો અને 4 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો. કેપ્ટન સૂર્યકુમાર યાદવ ખાતું પણ ખોલાવી શક્યા નહીં. તેને જોફ્રા આર્ચરે શૂન્ય રને આઉટ કર્યો. અભિષેકે શાનદાર પ્રદર્શન કર્યું અને 79 રનની ઇનિંગ રમી. તિલક વર્મા ૧૯ રન બનાવીને અણનમ રહ્યા. હાર્દિક પંડ્યા 3 રન બનાવીને અણનમ રહ્યો. ભારતે ૧૨.૫ ઓવરમાં લક્ષ્ય હાંસલ કરી લીધું.

અભિષેકે કર્યું જોરદાર પ્રદર્શન:-
ભારત માટે અભિષેક શર્માએ મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી અને તેમણે માત્ર 20 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી લીધી હતી. અભિષેકે 34 બોલનો સામનો કરીને 79 રન બનાવ્યા. જેમાં 5 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકારી રનનો ઢગલો કરી દીધો હતો. ઇંગ્લેન્ડ માટે આર્ચરે સારી બોલિંગ કરી. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 2 વિકેટ લીધી. આદિલ રશીદને પણ સફળતા મળી. તેણે 2 ઓવરમાં 27 રન આપ્યા. આ સિવાય કોઈને વિકેટ મળી નથી.
ઈંગ્લેન્ડનો ખેલાડી બટલરે અડધી સદી ફટકારી હતી
પ્રથમ બેટિંગ કરતા, ઇંગ્લેન્ડે 132 રન બનાવ્યા અને 20 ઓવરમાં ઓલઆઉટ થઈ ગયું. ટીમની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ઓપનર ફિલ સોલ્ટ શૂન્ય રને આઉટ થયો હતો. જ્યારે બેન ડકેટ 4 રન બનાવીને આઉટ થયો હતો. પરંતુ જોસ બટલરે ઇનિંગ્સને નિયંત્રણમાં રાખી. તેણે અડધી સદી ફટકારી. બટલરે 44 બોલમાં 68 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 8 ચોગ્ગા અને 2 છગ્ગા ફટકાર્યા. હેરી બ્રુકે 17 રનનું યોગદાન આપ્યું. આ સિવાય અન્ય કોઈ બેટ્સમેન કંઈ ખાસ કરી શક્યો નહીં. આર્ચરે ૧૨ રન અને આદિલ રશીદે ૮ રનનું યોગદાન આપ્યું.
ભારતીય બોલરોએ હાહાકાર મચાવી દીધો:-
કોલકાતામાં રમાયેલી મેચમાં ટીમ ઈન્ડિયાના બોલરો ચમક્યા હતા. વરુણ ચક્રવર્તીએ 4 ઓવરમાં 23 રન આપીને 3 વિકેટ લીધી. અર્શદીપ સિંહે 4 ઓવરમાં 17 રન આપીને 2 વિકેટ લીધી. અક્ષર પટેલે 4 ઓવરમાં 22 રન આપીને 2 વિકેટ લીધી. તેણે એક મેડન ઓવર ફેંકી. હાર્દિક પંડ્યાએ પણ 2 વિકેટ લીધી.
અર્શદીપના નામે એક ખાસ રેકોર્ડ નોંધાયો:-
કોલકાતામાં 2 વિકેટ લઈને અર્શદીપ સિંહે પોતાના નામે એક ખાસ રેકોર્ડ બનાવ્યો. તે ભારત માટે સૌથી વધુ T20 આંતરરાષ્ટ્રીય વિકેટ લેનાર બોલર બન્યો. તેણે અત્યાર સુધીમાં 97 વિકેટ લીધી છે. આ બાબતમાં યુઝવેન્દ્ર ચહલ સહિત ઘણા દિગ્ગજો પાછળ રહી ગયા.