ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ મેળો ચાલી રહ્યો છે. આ મહાકુંભ મેળવામાં રવિવારે અચાનક આગ ફાટી નીકળતા 20 જેટલા ટેન્ટ બળીને ખાખ થઈ ગયા હોવાની માહિતી સામે આવી છે. મહત્વનું છે કે આ મેળામાં દેશ-વિદેશમાંથી કરોડોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. મળતી માહિતી અનુસાર મહાકુંભના સેક્ટર 19 નગરમાં ટેન્ટમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ ફાયર વિભાગને થતાં ફાયરની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાનું કામ શરૂ કરી દીધું હતું. જો ફાયર વિભાગની શાનદાર કામગીરી બાદ ટૂંક જ સમયમાં આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો.
કેવી રીતે લાગી આગ ?
મહાકુંભના સેક્ટર 19માં આવેલા ગીતા પ્રેસ ગોરખપુરના કેમ્પમાં આગ લાગી હતી. ટેન્ટમાં મૂકવામાં આવેલાં સિલેન્ડરમાં અચાનક બ્લાસ્ટ થતાં આગ લાગી હતી. ગણતરીની મીનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા 20 જેટલા ટેન્ટ બળી ગયા હતા. ભીષણ આગ અખાડાથી આગળ રસ્તા પર લોખંડના બ્રિજ નીચે લાગી હતી. મહત્વનું છેકે ભારે પવનના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જો કે વધુ જોખમ ફેલાય તે પહેલા ફાયરની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો હતો.
યોગી આદિત્યનાથે ઘટના સ્થળની લીધી મુલાકાત
ભીષણ આગની ઘટના બાદ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના સ્થળની લીધી મુલાકાત.. અને સમગ્ર ઘટના ક્રમ મુદ્દે તપાસ કરવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.. તેમજ આગ કેવી રીતે અને આગથી કેટલું નુકસાન થયું તે મુદ્દે તપાસ શરૂ કરવા માટે તપાસના આદેશ આપવામાં આવ્યા.