છોટાઉદેપુર તાલુકામાં પ્રસંગોમાં થતા ખોટા સામાજિક ખર્ચા અને કુરિવાજો સામે જાગૃતતા લાવવા માટે યોજાયેલી સમસ્ત આદિવાસી મહાપંચાયત માં છોટાઉદેપુર તાલુકાના ગામ પટેલો,સરપંચો, તાલુકા પંચાયત સભ્યો, જિલ્લા પંચાયત સભ્યો તેમજ સામાજિક આગેવાનો સહિત આજુબાજુ ના વિસ્તારમાં થી ખુબ મોટી સંખ્યામાં પાંચ હજાર થી વધુ લોકો જોડાયા હતા, કાર્યક્રમ ની શરૂઆત આદિવાસી સંસ્કૃતિ મુજબ બાબા પીઠોરાદેવ નું તથા ખત્રી પૂર્વજો નુ પૂજન સાથે પંડાલ માં ઉપસ્થિત તમામ લોકો એ શિસ્તબદ્ધ ઉભા થઇ ને ધરતી વંદના ગીત “નઇ ભૂલજી આમુ નઇ ભૂલજી ઇયુ ધરતી માતા ને નઇ ભૂલજી” થી કરવામાં આવ્યું હતું.

છોટાઉદેપુર તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષ રાજેશભાઈ રાઠવા દ્વારા આયોજિત સમસ્ત આદિવાસી મહાપંચાયત માં પદ્મ શ્રી એવોર્ડ થી સન્માનિત પરેશભાઈ રાઠવા,ગણી મુનિ રાજેન્દ્ર રાઠવા મહારાજ, જિલ્લા પંચાયત છોટાઉદેપુર આરોગ્ય સમિતિના અધ્યક્ષ ગુમાન ભાઈ રાઠવા, જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા નગીનભાઈ રાઠવા , પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રમેશભાઇ રાઠવા,પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ વાનુબેન વસાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જયદીપ રાઠવા,સામાજિક કાર્યકરો, વિનુભાઈ સરપંચ ભોરદલી, ધનસિંગભાઈ મહારાજ રૂનવાડ, ગંભીર ભાઈ સરપંચ,ડો જિતેન્દ્ર રાઠવા, ગોપાલભાઈ રાઠવા, લક્ષ્મણ રાઠવા,વાલસિંગભાઈ રાઠવા, ભાવસિંગભાઈ રાઠવા , લાલસિગભાઈ ઝેર, સહિત આગેવાનો એ ઉપસ્થિત રહી સમાજ માં પ્રવર્તમાન સમસ્યાઓ અને તેના ઉકેલ તેમજ સમાજ માં એક પ્રકારની આચારસંહિતા અમલમાં મૂકવામાં આવે તે બાબતે વિસ્તૃત ચર્ચાઓ ચાલી હતી જેમાં ખાસ કરીને મુળ આદિવાસી સંસ્કૃતિ પ્રમાણે નાં સામાજિક રીતરિવાજો અને પરંપરાઓ બરકરાર રહે તથા લગ્ન પ્રસંગે વધુ સંખ્યામાં ડીજે સાઉન્ડ નહીં લાવવામાં આવે, મરણ પ્રસંગે નજીક ના સગા સિવાય અન્ય એ કપડું નહીં નાખવા, છોકરી-છોકરાનાં ભાંગવા તોડવા ના કિસ્સા માં સર્વ સ્વીકૃત રાશિ નક્કી કરવામાં આવે, લગ્ન માં આડેધડ દહેજ નહીં લેવા માં આવે, ઘરેણાં પલ્લા માં પણ સમગ્ર વિસ્તારમાં સમાનતા રહે, નાની ઉંમરના બાળકો ને મોબાઈલ થી દુર રાખવા માટે સ્વયં વાલીઓ એ દેખરેખ રાખે વગેરે સમાજમાં ઘાતકી દૂષણને ડામવા અટકાવવા સમિતિ દ્વારા નક્કી કરવામાં આવેલ બંધારણ ને અનુસરવા માં આવે અને તે સામાજિક બંધારણ સમિતિ દ્વારા તૈયાર કરીને દરેક ગામોમાં ગામ પટેલ અને સરપંચ સહિત ના આગેવાનો ને મોકલી આપવામાં આવશે અને તે સામાજિક બંધારણ ને ચૂસ્ત પણે અમલ કરવા નું રહેશે અને તે પ્રમાણે અમલ નહીં કરનારા ઓ ને સામાજિક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવું નક્કી કરવામાં આવ્યું હતુ.

સમસ્ત આદિવાસી મહાપંચાયત દર વર્ષે ૨૫ ડીસેમ્બર નાં રોજ અલગ અલગ વિસ્તારોમાં આયોજીત કરવામાં આવશે અને જરુરી સામાજિક ચિંતન ચર્ચાઓ દ્વારા આદિવાસી સંસ્કૃતિ માટે જાગૃતતા લાવવા સહિત સમાજમાં બદલાવ લાવવા અને સામાજિક એકતા અને સંગઠીતતા, સમરસતા બની રહે તેવા પ્રયાસો રહેશે તેમ સમસ્ત આદિવાસી મહાપંચાયત ના આયોજક રાજેશ ભાઈ લગામી એ જણાવ્યું હતું.
કાર્યક્રમ નું સુંદર અને સૂચારુ સંચાલન દિનેશભાઇ રાઠવા ગુનાટા જગદીશભાઈ રાઠવા શિક્ષક દ્વારા કરવામાં આવ્યું હતું, કાર્યક્રમ નાં અંતે રાજેશભાઈ લગામી દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ તમામ નો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.