લોક કલાકાર રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા આહવા પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવી છે. ડાંગ જિલ્લા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ અને સામાજિક કાર્યકર સ્નેહલ ઠાકરે એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો નોંધવા અરજી કરી છે. રાજભા ગઢવીએ ડાયરામાં આદિવાસી સમાજનું અપમાન કર્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.
સોશ્યિલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં લોક કલાકાર રાજભા ગઢવી ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર બાદ ડાંગ જિલ્લાના આહવાનો ઉલ્લેખ કરી કહે છે કે, જંગલોમાં જંગલી, લૂંટારુઓએ કેટલાયને લૂંટી લીધા અને કપડાં કાઢી લીધા હોવાનું નિવેદન કરે છે. જેની સામે આદિવાસી સમાજમાં રોષ ઉકળી ઉઠ્યો છે.
આદિવાસી સમાજે રાજભા ગઢવીના શબ્દોને કલંક ગણાવી છે. સાથે જ કહ્યું છે કે રાજભા ગઢવી સામે ફરિયાદ નહીં નોંધાય તો કલેક્ટર કચેરીએ ધરણાની ચીમકી ઉચારી છે. ત્યારે હવે આગામી સમયમાં જોવું એ રહ્યું કે, પોલીસ રાજભા ગઢવી સામે ક્યારે પોલીસ ફરિયાદ નોંધે છે. અને ક્યારે કાર્યવાહી કરે છે.