ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં ફરી એકવાર ઠંડીનું જોર ધીરેધીરે વધી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો થતાં લોકો વહેલી સવારે ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. તો બીજી તરફ બપોરે તાપમાન વધી જતા લોકો ગરમીનો પણ અહેસાસ કરી રહ્યા છે. આ બધાં વચ્ચે તાપમાનમાં થોડો વધારો થતાં લોકોને ઠંડીથી રાહત મળી શકે છે. આ બધાં વચ્ચે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી કરી છે.
ક્યારે અને ક્યાં પડશે ઠંડી અને માવઠું ?
તારીખ 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યમાં કેટલીક જગ્યાએ માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં શિયાળાની ઋતુ વચ્ચે માવઠું પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 30 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી વચ્ચે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં માવઠું પડવાની શક્યતાઓ છે. મહત્વનું છે કે, અરબી સમુદ્રનાં ભેજ અને રાજસ્થાનનાં વિક્ષેપનાં કારણે રાજ્યનાં કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ છે. માવઠાનાં કારણે રાજ્યમાં ફરી એકવાર કાતિલ ઠંડી પડવાની શક્યતાઓ હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આપી છે. આગામી 28મી ફેબ્રુઆરી સુધી રાજ્યમાં ઠંડી યથાવત રહેશે.
છેલ્લાં 24 કલાકમાં ક્યા કેટલું રહ્યું તાપામાન ?
છેલ્લાં 24 કલાકમાં રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પડેલા તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં લધુત્તમ તાપમાન 15.7 ડિગ્રી, ગાંધીનગરમાં 13.5 ડિગ્રીની આસપાસ જ્યારે રાજકોટમાં 11.2 ડિગ્રી, અમરેલીમાં 15.2 ડિગ્રી, ભાવનગરમાં 15.6 ડિગ્રી, દેવભૂમિદ્વારકામાં 16.3 ડિગ્રી, વડોદરામાં 15.8 ડિગ્રી, સુરતમાં 17 ડિગ્રી અને ભુજમાં 12.6 ડિગ્રી સુધી તાપમાન નોંધાયું છે. જ્યારે નલિયાની વાત કરીએ તો તાપમાન 3.1 ગગડીને 7.2 ડિગ્રી સુધી રહ્યું છે. તાપમાનમાં ઘટાડો થતાં રાજ્યના લોકોને ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.