દક્ષિણ ગુજરાતની સૌથી મોટી યુનિવર્સિટી એટલે કે વીર નર્મદ યુનિવર્સિટી ખાતે ABVP દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ABVPના કાર્યકર્તાઓ દ્વારા યુનિવર્સિટીના મેઈન ગેટ પર વિરોધ-પ્રદર્શન કરવામાં આવ્યું હતું. થોડા સમય પહેલા યુનિવર્સિટી મેનેજમેન્ટ દ્વારા લો ફેકલ્ટીના એડમિશન બંધ કરવામાં આવ્યા હતા. તે એડમિશન ફરીથી શરૂ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.
સ્કોલરશીપ ચાલુ કરવાની માંગ
આ ઉપરાંત સરકાર દ્વારા મેનેજમેન્ટ કોટાના STના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ બંધ કરી દેવામાં આવી છે તે સ્કોલરશીપ ફરી ચાલુ કરવાની માંગ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો. આ ઘટના દરમ્યાન વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ જોવા મળ્યું હતું. ભારે વિવાદ થતાં પોલીસ દ્વારા પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા STના વિદ્યાર્થીઓની સ્કોલરશીપ રદ કરતો પરિપત્ર થોડા સમય પહેલા બહાર પાડવામાં આવ્યો હતો. જે બાદ વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે એડમિશન લીધાં બાદ સ્કોલરશીપ રદ કરી દેતા વિદ્યાર્થીઓને અનેક પ્રકારની મુશ્કેલીઓ પડતી હોવાની રજુઆત કરી હતી. જેથી ST વિદ્યાર્થીઓ માટે ફરીથી સ્કોલરશીપ શરૂ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.