ગુરુવારે સંસદમાં ધક્કામૂક્કીના મુદ્દે કોંગ્રેસ-ભાજપ સામસામે આવી ગયા છે. બંનેએ સંસદ માર્ગ પોલીસ સ્ટેશનમાં એકબીજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ભાજપની ફરિયાદ પર કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. જે બાદ આ કેસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ હવે કોંગ્રેસની ફરિયાદ પર પણ કાર્યવાહી કરવામાં આવી છે. ક્રાઈમ બ્રાન્ચ આ અંગે પણ તપાસ કરશે. મતલબ કે હવે ક્રાઈમ બ્રાન્ચ કોંગ્રેસ અને ભાજપ બંને દ્વારા કરવામાં આવી રહેલા આક્ષેપોની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે પોતાની ફરિયાદમાં ભાજપના સાંસદો પર મલ્લિકાર્જુન ખડગે અને સાંસદ રાહુલ ગાંધી પર દબાણ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે, SC/ST એક્ટ હેઠળ આરોપો લગાવવામાં આવ્યા છે.

સૂત્રોની માહિતી દ્વારા એવું કહેવામાં આવી રહ્યું છે કે, ક્રાઈમ બ્રાન્ચ હવે સીન રિક્રિએટ કરશે અને દરેક પાસાઓની તપાસ કરશે. તમને જણાવી દઈએ કે, સંસદ ભવનનાં મકર ગેટ પર ભાજપ-કોંગ્રેસના સાંસદો સામસામે આવી ગયા હતા. જે બાદ ધક્કામૂક્કીનો મામલો સામે આવ્યો હતો. ભાજપે કહ્યું કે રાહુલ ગાંધીએ સાંસદો સાથે ઝપાઝપી કરી, જેના કારણે તેમને ઈજા થઈ. જ્યારે કોંગ્રેસે કહ્યું કે, BJP સાંસદોએ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધીને ગાળો ભાંડી. જો કે હજુ સુધી આ અંગેનો કોઈ વીડિયો કે પુરાવા સામે આવ્યા નથી.
બંને પક્ષ સામે કેસ નોંધાયો
નોંધનીય છે કે, ભાજપની ફરિયાદ પર રાહુલ ગાંધી વિરુદ્ધ અલગ-અલગ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. જેમાં 3 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજાની જોગવાઈ છે. જો કે કોંગ્રેસે પત્રકાર પરિષદ યોજીને તમામ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા હતા અને કહ્યું હતું કે અદાણી અને આંબેડકર મુદ્દા પરથી ધ્યાન હટાવવા માટે આ બધું કરવામાં આવી રહ્યું છે. કોંગ્રેસે આંબેડકરના અપમાનનો આરોપ લગાવતા ગૃહમંત્રી અમિત શાહના રાજીનામાની પણ માંગ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત અમિત શાહએ આપેલા નિવેદન મુદ્દે વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેમજ અમિત શાહેએ આપેલા નિવેદન મુદ્દે માંફી માંગે તેવી માંગ કરવામાં આવી રહી છે. દેશભરમાં શુક્રવારે વિરોધ કરવામાં આવ્યો હતો. સાથે આગામી સમયમાં ન્યાય ન મળે તો ફરી વિરોધ કરવાની ચિમકી ઉચ્ચારી છે.