છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ રેફરલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ નશાની હાલતમાં હોવાનો વિડીયો વાયરલ થતાં હાહાકાર મચી ગયો છે. રવિવારના દિવસે સારવાર અર્થે ગયેલા જાગૃત નાગરિકે નશાની હાલતમાં ધુત તબીબનો વિડીયો ઉતારી તેને સોશ્યિલ મીડિયામાં વાયરલ કરતાા હાહાકાર મચી ગયો છે. સમગ્ર ઘટના ક્રમની વાત કરીએ તો, છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકા રેફરલ હોસ્પિટલમાં રવિવારે એક નાગરિક તેઓના પરિવારના સભ્યને લઈ સારવાર અર્થે હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. જ્યાં તબીબ હાજર ન હોય હાજર સ્ટાફ દ્વારા તબીબને ફોન કરી બોલાવતા પ્રજાને સારવાર માટે ખોલવામાં આવેલી હોસ્પિટલને લજવતો વ્યવહાર સદર નાગરિક સાથે કરવામાં આવતા જાગૃત નાગરિક તેમજ તબીબના વાર્તાલાપનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તબીબ વીડિયોમાં નશાની ધુત હાલતમાં નાગરિક સાથે અયોગ્ય વર્તન કરતો જોવા મળી આવ્યો હતો.
રેફરલ હોસ્પિટલનો ડૉકટર દારૂડિયો !
હજી તારીખ 24 ડિસેમ્બરના રોજ જિલ્લાના મોટી સાધલી આરોગ્ય કેન્દ્ર ઉપર તબીબની ગેરહાજરીમાં નર્સ દ્વારા નોર્મલ ડિલિવરી બાદ પ્રસુતાના મોતના આક્ષેપ અને હોબાળાની ઘટનાની શાહી સુકાઈ નથી. ત્યારે સમગ્ર આરોગ્ય આલમ ઉપર લાંછન લગાવતો વિડીયો વાયરલ થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.બનાવની વિગતે વાત કરીએ તો કવાટ તાલુકાના એક ગામના એક નાગરિક કવાટ સરકારી દવાખાના ખાતે તેઓના સગાને લઇ ગયા હતા. દર્દીને અચાનક છાતીમાં અને પેટમાં દુખવાની તકલીફ ઊભી થઈ હતી કવાટ રેફરલ હોસ્પિટલ ખાતે ડોક્ટર હાજર ન હતા. ત્યારે હાજર સ્ટાફ નર્સ હતા.તેઓ દ્વારા ડોક્ટરને ફોન કરી જાણ કરી હતી. પણ અડધો કલાક જેટલો સમય વીત્યા બાદ સાહેબ આવ્યા હતા. તબીબ આવતાની સાથે જ આજે રવિવાર છે નો રટણ શરૂ કર્યું હતું. અને દર્દીના રિપોર્ટ જોવાની ઘસીને ના પાડી હતી.
આરોગ્ય અધિકારીએ તપાસના આદેશ આપ્યા
ત્યારે દર્દીના સગા ને તબીબની હાલત શંકાસ્પદ જણાતા દર્દીના સગા એ તબીબ સાથે વાર્તાલાપ કરતો વીડિયો ઉતાર્યો હતો. વીડિયોમાં સ્પષ્ટપણે જોવા મળ્યું હતું કે તબીબ શું બોલતા હતા તે અંગે તેઓને ભાન ન હતું. અને ચાલવામાં પણ તકલીફ પડી રહી હતી. અત્રે મહત્વની વાત એ છે કે તાલુકા મુખ્ય મથક ઉપર બેસનારા એ પણ રેફરલ હોસ્પિટલના સુપ્રીમો જો ફરજ પ્રત્યે સભાન ના હોય તો અંતરિયાળ વિસ્તારમાં ચાલતા આરોગ્ય કેન્દ્ર અને અન્ય સ્ટાફ ની ફરજ પ્રત્યેની નિષ્ઠા વફાદારી અંગે પ્રશ્નાર્થ લાગે તે સ્વાભાવિક છે.અત્રે ખાસ ઉલ્લેખનીય એ પણ છે કે જિલ્લામાં કથળતી જતી આરોગ્ય સેવાને લઈ દિન પ્રતિદિન આરોગ્ય તંત્ર ઉપર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આ અંગે જિલ્લા આરોગ્ય અધિકારી દ્વારા જણાવેલ કે સદર ઘટ્નાને પગલે તપાસ સમિતિ બનાવી સત્વરે જિલ્લા કક્ષાએ અહેવાલો મળે તે મુજબના આદેશો સંબંધિત અધિકારીને કરી દેવામાં આવ્યા છે, રિપોર્ટ મળી હતી ઘટીત કાર્યવાહી કરવામાં આવશે.