ડિગ્રી એન્જિનિયરિંગથી માંડી ડિપ્લોમાં ઈજનેરી અને નર્સિંગ ફિઝિયોથેરોપી સહિતની કોલેજોમાં ST કેટેગરી એટલે કે (અનુસૂચિત જનજાતિ)ના વિદ્યાર્થીઓને ભારત સરકારની પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના અંતર્ગત સ્કોલરશીપ આપવામા આવતી હતી. આ યોજનામાં કેન્દ્ર સરકાર 75 અને રાજ્ય સરકાર 25 ટકા ગ્રાન્ટ આપતી હતી. પરંતુ ચાલુ વર્ષે વિવિધ ટેકનિકલ પ્રોફેશનલ કોર્સિંસની કેન્દ્રીય પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ ઓક્ટોબરમાં ઠરાવ કર્યો હતો કે, એસટી કેટેગરીના વિદ્યાર્થીઓ માટેની શિષ્યવૃતિ મેનેજમેન્ટ ક્વોટા વિકેન્ડ ક્વોટાના વિદ્યાર્થીઓ માટે બંધ કરવામાં આવી છે. અને કેન્દ્ર સરકારે શિષ્યવૃતિ બંધ કરવા માટેનો ઠરાવ અગાઉથીજ કરી દીધો હતો જેના કારણે STનાા વિદ્યાર્થીઓ સ્કોલરશીપ માટે છેલ્લા કેટલાક સમયથી પરેશાન થઈ રહ્યા છે. અને જો સરકાર આ શિષ્યવૃતિ યોજના ફરીથી શરૂ ન કરે તો અનેક વિદ્યાર્થીઓના ભવિષ્ય બગડે તેવી શક્યતાઓ છે. જેથી ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી ST વિદ્યાર્થી સ્કોલરશીપ યોજના ફરી શરૂ કરવામાં આવે તેવી માગ સાથે વિરોધ કરી રહ્યા છે.
આ કાર્યક્રમ અંતર્ગત સોમવારે વ્યારા શહેરના જિલ્લા સેવા સદન પાસે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભેગા થયા હતા અને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના સરકાર ફરી શરૂ કરે તેવી માગ કરી હતી. ખાસ કરીને નર્સિંગ કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહી વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ ઉપરાંત જો સરકાર વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય નહીં લઈ તો 26 જાન્યુઆરીએ બાજીપુરા ખાતે યોજાનાર રાજ્યકક્ષાના ધ્વજવંદન કાર્યક્રમમાં વિરોધ નોંધવાશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. વિદ્યાર્થીઓ સાથે વિરોધના આ કાર્યક્રમમાં ધારાસભ્ય અનંત પટેલ, યુસુફ ગામીત સહિતના નેતાઓએ હાજરી આપી સરકાર શિષ્યવૃત્તિ રદ કરવાનો નિર્ણય પાછો ખેંચે તેવી માંગણી સાથે જિલ્લા કલેક્ટરને આવેદન આપી રજુઆત કરી હતી.
મહત્વનું છેકે, જ્યારથી સરકાર દ્વારા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના બંધ કરવામાં આવી છે. ત્યારથી વિરોધનો સૂર ઉઠ્યા છે. પરંતુ ગુજરાતની ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી. તો બીજી તરફ આદિવાસી સમાજના નેતાઓ પણ છેલ્લા કેટલાક સમયથી રજુઆત કરી રહ્યા છે તે છતાં સરકાર દ્વારા આ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃતિ યોજના શરૂ કરવામાં આવી નથી રહી. જો સરકાર દ્વારા આ યોજના ફરી નહી શરૂ કરવામાં આવે તો અનુસૂચિત જનજાતિના હજારો વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડવાની શક્યતા જણાઈ રહી છે.