ગુજરાતમાં ફર્સ્ટ ડિસેમ્બર અને પાંચમી ડિસેમ્બરે વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી દ્વારા સમગ્ર રાજ્યમાં પ્રચાર-પ્રસાર પૂર જોશમાં કરવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ તાપીના વ્યારામાં પણ મતદાન જાગૃતિ માટે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. તાપી જિલ્લાના ચૂંટણી વિભાગ દ્વારા લોકો વધુમાં વધુ મતદાન કરે તે માટે એક મતદાન જાગૃતિ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો. જેના ભાગરૂપે વ્યારા શહેરની શાળા, કોલેજ, આઈટીઆઈના વિદ્યાર્થીઓ તેમજ શહેરના જાગૃત નાગરિકોને “રન ફોર વોટ” “રન ફોર તાપી” હેઠળ અચૂક મતદાન કરવું અને કરાવવા માટે શપથ લઈ દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મતદાન જાગૃતિ અંગેના દિશા સૂચક બેનરો લઈ વ્યારા નગરમાં દોડ લાગાવી હતી. આ કાર્યક્રમાં અંદાજે 1800થી વધારે લોકો અને વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.
આ પ્રસંગે જિલ્લા કલેક્ટર ભાર્ગવી દવેએ જણાવ્યું કે, વિધાનસભાની ચૂંટણી આપણા જિલ્લામાં પ્રથમ તબક્કમાં 1 ડિસેમ્બર 2022 ગુરૂવારના રોજ સવારે 8થી સાંજે 5 કલાક સુધી મતદાન થનાર છે. જેના માટે મતદારોને જાગૃત કરવાના અર્થે વ્યારા નગરમાં “રન ફોર વોટ” રેલીનું આયોજન કરાયું હતું. આગામી ચૂંટણીમાં મહત્તમ સંખ્યામાં મતદારો મતદાન કરે જેમાં ખાસ કરીને 80 વર્ષથી ઉપરના વડીલો મતદારો, 18 વર્ષના યુવા મતદારો, સગર્ભા માતાઓ અને બહેનો સહિત તમામ મતદારો માટે સુંદર વ્યવસ્થાનું આયોજન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કરાયું છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, તાપી જિલ્લાના દરેક મતદાન મથક પર પીવાના પાણી, મતદારોના લાઈન માટે તેમજ બેસવાની વ્યવસ્થા, શૌચાલય, હેલ્પ ડેસ્ક જેવી વિવિધ વ્યવસ્થા છે. આ ઉપરાંત જિલ્લાના યુનિક મતદાન મથકો, સખી મતદાન મથક, દિવ્યાંગ મતદાન મથકો જિલ્લાના મોડલ મતદાન મથકો સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આકર્ષણનું કેન્દ્ર બનશે એમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે સૌ નાગરિકોને સમગ્ર ગુજરાતમાં મહત્તમ મતદાન આપણા જિલ્લામાંથી થાય તેના માટે જાગૃત બની મતદાન કરવા અપીલ કરી હતી.