સંખેડા તાલુકાના ગુંડેર ગામમાં વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગુંડેર ગામના લોકોની એક જ માંગ છે. ગુંડેર ગામથી સંખેડા જવા માટે ઉચ્છ નદી પર એક છલીયું નાડુ કે પુલ બનાવવામાં આવે તો બાળકોને તેમજ આજુબાજુના ગામના લોકોને આવવા જવામાં તકલીફ ન પડે, બાળકોને સ્કૂલે જવું હોય તો ઉચ્છ નદીમાં ગુટણ સમા પાણીમાં ઉતરીને જીવના જોખમે જવું પડે છે. જો આ નદી પર છલિયું નાડું કે પુલ બનાવવામાં આવે તો આઠ કિલોમીટરનું અંતર એક કિલોમીટરમાં ફેરવાઈ જાય જેથી બાળકોને અભ્યાસ માટે જવા માટે કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
ગુંડેર ગામના લોકો દ્વારા પહેલા પણ જિલ્લા પંચાયતની ચૂંટણી વખતે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો તેમ છતાં આજ દિન સુધી છલીયું નાડુ કે પુલ બનાવવામાં આવ્યું નથી. તેમજ અમુક પક્ષો દ્વારા ગુંડેર ગામના લોકોને મોટા મોટા વાયદા કરવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ સુધી કરેલા વાયદાઓ પુરા કરવામાં આવ્યો નથી. જેથી આ વખતે ગુંડેર ગામના લોકોએ નક્કી કર્યું છે કે ‘કામ નહીં તો વોટ નહીં’ ના સુત્રો સાથે ભારે વિરોધ કરી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે.