વિધાનસભાની ચૂંટણી પહેલા ભાજપ-કોંગ્રેસ અને આપ પાર્ટી મોટા-મોટા વાયદાઓ અને વચનો આપી રહ્યા છે. ત્યારે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે ગુજરાતના સરકારી કર્મચારીઓને સંદેશો આપતા કહ્યું કે, હું ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓને ગેરંટી આપું છું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બન્યાના એક જ મહિનાની અંદર જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવશે.
જૂની પેન્શન યોજનાનું નોટિફિકેશન 31મી જાન્યુઆરી પહેલા બહાર પાડવામાં આવશે. અમે પંજાબમાં જૂની પેન્શન યોજના લાગુ કરીને બતાવી છે. ઘણા કામદારો કામચલાઉ ધોરણે કોન્ટ્રાક્ટ પર કાચા કામદારો તરીકે કામ કરી રહ્યા છે. રાજ્યના વાહનવ્યવહાર વિભાગના કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર, પોલીસકર્મીઓ, હોમગાર્ડ, ગ્રામરક્ષક, વીસી, આંગણવાડી કાર્યકરો, આશા વર્કરોને ઓછો પગાર મળે છે. હું તમામ કર્મચારીઓને મળ્યો છું અને તેમની સમસ્યાઓ જાણું છું. મારી તમામ કર્મચારીઓને વિનંતી છે કે તમે અમારી સરકાર બનાવો, હું ખાતરી આપું છું કે હું તમારી બધી જ સમસ્યાઓનું નિરાકરણ લાવીશ.