નિઝરમાં 2012માં ભાજપનો વિજય થયો હતો. પરંતુ 2017માં તેને આ બેઠક જાળવવામાં નિષ્ફળતા મળી હતી. એટલું જ નહીં કોંગ્રેસની સરસાઈમાં પણ જંગી વધારો થયો હતો. કોંગ્રેસે પાછલી ચૂંટણીના વિજેતા સુનીલ ગામીતને ફરી રિપીટ કર્યાં છે. ભાજના ઉમેદવાર જયરામ ગામીતને ટિકિટ જાહેર થયા બાદ અસંતોષનો સામનો કરવો પડ્યો હતો. જોકે કોંગ્રેસના ઉમેદવાર સામે પણ અસંતોષ તો વ્યક્ત કરાયો જ હતો. આ સંજોગોમાં બંને પક્ષોમાં અસંતુષ્ટો ખરેખર પક્ષ માટે કામ કરે છે કે કેમ અને ત્રિપાખિયા જંગમાં મતદાનની ટકાવારી તથા ઉમેદવાર વચ્ચે મતનો ફરક કેવો રહે છે તેના આધારે ચૂંટણી પરિણામ નક્કી થશે. ભાજપમાંથી ગઈ ચૂંટણીમાં હારેલા કાંતી ગામીત રિપીટ થવાની સંભાવના વ્યક્ત થતી હતી. પરંતુ પાર્ટીએ જયરામ ગામીતને ટિકિટ આપી હતી. તેમની સામે નારાજગી વ્યકત થઈ હતી. પરંતુ મોહન કોંકણી સહિતના જિલ્લાના નેતાઓએ મામલો થાળે પાડ્યાનો દાવો થઈ રહ્યો છે. કોંગ્રેસમાં પણ યુસુફ ગામીત ટિકિટ નહીં મળતા નારાજ થયા હતા. પરંતુ પક્ષે તેમને મનાવી લીધા હોવાનો દાવો થાય છે.
નિઝરમાં 2012માં ભાજપના કાંતિ રેશમ ગામીતને 90191 મત મળ્યા હતા. કોંગ્રેસના પરેશ ગોવિંદ વસાવાને 80267 મત મળ્યા હતા. ભાજપનો 9924 મતે વિજય થયો હતો. 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના સુનિલ ગામીત રતનજી ગામીતને 1,06,234 મત મળ્યા હતા. ભાજપના કાંતિ રેશમ ગામીતને 83105 મત મળ્યા હતા. કોંગ્રેસના 23129 મતે વિજય થયો હતો. કોંગ્રેસની વધેલી સરસાઈ ભાજપને મૂંઝવી શકે છે. જોકે આપના ઉમેદવાર કોંગ્રેસના મતોમાં ગાબડું પાડશે તેવી તેની ગણતરી છે. 2012ના પોતાના જ્ઞાતિવાર સમીકરણોને સેટ કરવા ભાજપના નેતાઓ પ્રયાસ કરી રહ્યા છે. આ સંજોગોમાં અંહીની જંગ રોચક બની છે.