ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી વન ડે મેચ હેમિલ્ટમાં રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસને ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. કેપ્ટન શિખર ધવને ટોસ પછી જણાવ્યું કે, ટીમમાં બે મોટા ફેરફાર થયા છે. શાર્દુલ ઠાકુર અને સંજૂ સેમસનને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા છે. જ્યારે દીપક ચાહર અને દીપક હુડ્ડાને ટીમમાં સ્થાન આપવામાં આવ્યું છે.
T-20 સીરીઝમાં નહોતી અપાઈ તક
શાર્દુલ ઠાકુરે ભારતને પહેલી વિકેટ અપાવી હતી તો સંજૂ સેમસને જરૂર હતી ત્યારે જ શ્રેયસ ઐય્યરની સાથે ભાગીદારી કરી હતી, જેના દમ પર 306 રનનો સ્કોર કર્યો હતો. સેમસને 38 બોલમાં 36 રન બનાવ્યા હતા, જેમાં ચાર ચોગ્ગાનો પણ સમાવેશ થાય છે. બંનેના સારા દેખાવ છતાં તેમને ટીમમાંથી બહાર કરવામાં આવ્યા હતા. સંજૂ સેમસનને વધારે દુઃખ થયું હશે. હકીકતે, ટી-20 સીરીઝમાં પણ તેને હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમવાની તક નહોતી મળી.
પંત હજી પણ ટીમમાં
હાર્દિક પંડ્યાને જ્યારે આ અંગે સવાલ પૂછવામાં આવ્યો તો તેણે કહ્યું હતું કે, તેને ખબર છે કે, ક્યારે કોને તક આપવી જોઈએ. તેની ટીમ છે એટલે નિર્ણય પણ તેનો જ હશે. રસપ્રદ વાત તો એ છે કે, મેચમાં 23 બોલમાં 15 રન ફટકારીને આઉટ થનારો રિષભ પંત હજી પણ ટીમમાં છે. જ્યારે તેનાથી વધુ રન બનાવનારો સંજૂ સેમસન બેન્ચ પર બેઠો છે.
ઈન્ડિયાના પ્લેઈંગ ઈલેવનમાં કોણ ?
શિખર ધવન (કેપ્ટન), શુભમન ગિલ, શ્રેયસ અય્યર, રિષભ પંત (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, દીપક હુડ્ડા, વોશિંગ્ટન સુંદર, દીપક ચાહર, ઉમરાન મલિક, અર્શદીપ સિંહ, યુઝવેન્દ્ર ચહલનો સમાવેશ થાય છે.