ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાનના થોડા દિવસ બાકી છે, ત્યારે પ્રચારમાં દરેક પાર્ટીઓ દ્વારા એડીચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. દરેક પાર્ટીઓ દેશભરમાંથી પોતાના સ્ટાર પ્રચારકો બોલાવી પ્રચાર કરાવી રહ્યાં છે. ત્યારે રવિવારના રોજ નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ હતી, જેમાં રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગે, રાજસ્થાનના મુખ્ય મંત્રી અશોક ગહલોત અને ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુ શર્મા સહિત સહિતના નેતાઓ અને નર્મદા જિલ્લાની બે વિધાનસભાના અને ઝઘડિયાના બેઠકનાં ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.
આ કાર્યક્રમમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. સભા દરમ્યાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોત અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાઅર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. મલ્લિકાઅર્જુન ખડગેએ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, ગુજરાત માટે જ નહિ પણ આ ચૂંટણી આખા દેશ માટે મહત્વપૂર્ણ છે, એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે ગુજરાતમાં ભાજપ 27 વર્ષથી સત્તા પર છે અને 27 વર્ષમાં લોકોની સમસ્યાઓનું નિરાકરણ ન લાવી શકી. જો આટલા વર્ષોથી સત્તામાં છે તો પણ લોકોના પ્રશ્નોનું સમાધાન ન લાવી શકે તો જનતાને બાબા સાહેબ આંબેડકરે સંવિધાનમાં અધિકાર આપ્યો છે કે, 5 વર્ષમાં સરકારને હટાવી દેવી જોઈએ, તમને અધિકાર છે સારી સરકાર ચૂંટીને બનાવવાનો તેમણે કહ્યું કે, કોંગ્રેસ હંમેશા સારા કામ કર્યા છે. અમારા એવા કોઈ કામ નથી કે બ્રીજ બનાવ્યો અને કાલે પડી ગયો એવું ક્યારેય કોંગ્રેસની સરકારમાં નથી બન્યું, અમારું કામ મજબૂત છે, દેશને મજબૂત કર્યો છે, તો પણ મોદી અને અમિત શાહ અમને પૂછે છે કે 70 વર્ષમાં શું કર્યું, અરે ભાઈ અમે 70 વર્ષમાં કંઈ જ ન કરતા તો લોકતંત્ર ન મળ્યું હોત.
વધુમાં કહ્યું કે, ભાજપ ગરીબોની જમીન લૂંટી રહી છે, આદિવાસીઓને જમીન નથી આપી રહ્યા. ભાજપ સરકાર આદિવાસીઓના જળ,જંગલ અને જમીન ખતમ કરીને બધું જ ઉદ્યોગપતિઓને પધરાવી રહી છે. આ બધા સરકારમાં બેઠેલા અને ઉદ્યોગપતિઓ એક થઈને ગરીબોને લૂંટી રહ્યા છે. તમે એક મોકો કોંગ્રેસને આપો અમે ખોટા વચનો નથી આપતા, કોંગ્રેસે જે કહ્યું છે એ કર્યું છે, અમે ગરીબોને ખાવાનું મળે એના માટે ફૂડ સિક્યોરિટી એક્ટ લાવ્યા હતા, અમે બાળકોને ભણવા માટે સારી સ્કૂલો બનાવી અને ફરજિયાત શિક્ષણ કર્યું, જે મજદુરોને કામ નહોતું મળતું તેમને કામ આપવા માટે મનરેગા જેવી યોજના કોંગ્રેસ લાવ્યું હતું, આ બધી યોજના અમે ગરીબો માટે લાવ્યા છે.