રાજધાની દિલ્હી ક્રાઈમ સિટી બની ગયું હોય તેમ રોજે-રોજ દિલને હચ મચાવી નાખે તેવી હત્યાની ઘટનાઓ સામે આવી રહી છે. આ બધાં વચ્ચે દિલ્હીમાં શ્રદ્ધા હત્યા કેસ જેવો વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. આ કેસના આરોપીઓ બીજું કોઈ નહીં પણ માતા-પુત્રની જોડી છે. જેમણે હત્યાને અંજામ આપ્યો છે. આ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે મહિલા અને તેના પુત્રની ધરપકડ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પુત્રએ માતા સાથે મળીને પિતાની હત્યા કરી અને પછી લાશના ટુકડા કરી ફ્રિજમાં રાખ્યા.
પકડાયેલા આરોપીઓના નામ પૂનમ અને દીપક છે. તપાસમાં જાણવા મળ્યું છે કે આ માનવ અંગો અંજન દાસના હતા. હકીકતમાં આરોપી પૂનમ અંજન દાસની પત્ની છે, જ્યારે દીપક સાવકો પુત્ર છે. બંને પર અંજન દાસની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. અંજન દાસના અનેક મહિલાઓ સાથે સંબંધો હતા. જેથી અંજન દાસની હત્યા કરવાનું નક્કી કર્યું અને તેને નશાની ગોળીઓ સાથે દારૂ ભેળવી પીવડાવી દીધી અને મોતને ઘાટ ઉતારી દીધો. ત્યાર બાદ ચાકુ વડે શરીરના ટુકડા કરી વેરાન જગ્યાએ ફેંકી દેવામાં આવી.
સૂત્રોએ જણાવ્યું કે હત્યારાએ મૃતદેહના ટુકડા કરી અલગ-અલગ જગ્યાએ ફેંકી દીધા હતા. ડેડ બોડીને ફ્રિજમાં રાખવામાં આવી હતી. જેથી તે બગડે નહીં. થોડા દિવસો પહેલા જ શ્રદ્ધાની હત્યાના સમાચારથી દિલ્હી હચમચી ગયું હતું. હવે આ નવી ઘટના પણ ચોંકાવનારી છે. કહેવામાં આવી રહ્યું છે કે પિતાની હરકતોથી માતા-પુત્ર પરેશાન રહેતા હતા.