વ્યારા બેઠક જીતવા માટે ભાજપ દાયકાઓથી પ્રયાસ કરે છે પરંતુ કોંગ્રેસ આગળ તેની કોઈ કારી નથી ફાવી. ભાજપના ભલભલાં વાવાઝોડામાં પણ વ્યારાની બેઠક કોંગ્રેસ માટે અડીખમ રહી છે. જોકે, આ વખતે ભાજપે યેનકેન પ્રકારે આ બેઠક જીતવા માટે ખ્રિસ્તી કાર્ડ ઉતાર્યું છે. આ બેઠક પર પહેલીવાર ભાજપે ખ્રિસ્તી ઉમેદવારની પસંદગી કરી છે. ભાજપ તરફથી મોહન કોંકણીને ટિકિટ આપવામાં આવી છે. તેમનો મુકાબલો કોંગ્રેસના જૂના જોગી પૂના ગામીત સામે છે.
પુનાજી ગામીત સાથે મોહન કોંકણીનો મુકાબલો:-
પુનાજી છેલ્લી ચાર ટર્મથી સતત જીતી રહ્યા છે. આ બેઠકના સવા બે લાખ મતદારોમાંથી પોણો લાખ એટલે કે લગભગ 45 ટકા જેવા મતદારો ખ્રિસ્તી છે. કોંગ્રેસને વર્ષોથી આ વોટબેંક અકબંધ રાખી છે. પરંતુ આ વખતે ભાજપે તેમાં ગાબડું પાડવાનો વ્યૂહ અજમાવ્યું છે. ખ્રિસ્તી મતોનું વિભાજન થવાના સંજોગોમાં અન્ય જ્ઞાતિઓના ઉમેદવાર ઉપરાંત ત્રિપાંખિયા જંગના કારણે મતદાનની ટકાવારી તથા અન્ય પક્ષો અને અપેક્ષોને મળતા મતો પણ પરિણામ પર અસર કરી શકે છે. ભાજપ આ બેઠક સતત હારતું હોવા છતાં આ વખતે 20થી વધુ દાવેદાર મેદાનમાં હતા. પાર્ટીએ મોહન કોંકણી પર પસંદગી ઉતારી ખ્રિસ્તી ધર્મના મતો અંકે કરવાનો ઈન્કાર છતો કરી આશ્વર્ય સર્જ્યું હતું.
વ્યારામાં 2012માં કોંગ્રેસના પુના ઢેડા ગામીતને 73138 મત મળ્યા હતા. ભાજપના પ્રતાપ બાબુ ગામીતને 59582 મત મળ્યા હતા. કોંગ્રેસનો 11556 મતે વિજય થયો હતો. 2017માં કોંગ્રેસના પુનિયા ટેઢા ગામીતને 88576 મત મળ્યા હતા. જ્યારે ભાજપને અરવિંદ રમેશ ચૌધરીને 64162 મત મળતાં કોંગ્રેસના 24412 મતે વિજય થયો હતો. આમ 2012ની સરખામણીએ 2017માં કોંગ્રેસની મતોની સરસાઈ વધી હતી. આ ટ્રેન્ડ ભાજપ માટે ચિંતાજનક છે. આથી જ ભાજપે તમામ મુદ્દા અને રાષ્ટ્રીય સ્તરે ધર્માંતરણ જેવા મુદ્દે તેનું વલણ સહિતની બધી બાબતો બાજુ પર મૂકી એક ખ્રિસ્તી ઉમેદવારને અજમાવ્યા છે.