આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા મેધા પાટકરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત ભાજપ પર નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, તે મારા નામનો કેમ ખોટી રીતે ઉપયોગ કરી રહ્યા છે? ભાજપના નેતાઓનો ઉલ્લેખ કરતા મેઘા પાટકરને પૂછ્યું કે, તે અમારા નામથી લોકોને અપીલ કેમ કરી રહ્યા છે કે, લોકો કોંગ્રેસ કે આમ આદમી પાર્ટીને વોટ ન આપે, શું તે ડરી ગયા છે કે લોકો તેમને વોટ નહીં આપે?
નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકર ગત સપ્તાહે મહારાષ્ટ્રમાં રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં સામેલ થયા. તે પછી પીએમ મોદીએ રાજકોટના ધોરાજીમાં એક ચૂંટણી સભા દરમિયાન તેના માટે કોંગ્રેસની ટીકા કરી હતી. પીએમ મોદીએ રાહુલને વિકાસ વિરોધી જણાવ્યા હતા. મોદીએ રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, તમે નર્મદા યોજનાનો વિરોધ કરનારા લોકોની સાથે કોંગ્રેસના એક નેતાની તસવીર ન્યૂઝ પેપરોમાં જોઈ હશે. તેમણે કહ્યું કે, ‘નર્મદા યોજનામાં અડચણ લાવનારા લોકો અંગે વિચારો, નર્મદા કચ્છ અને સૌરાષ્ટ્રમાં આપણા લોકો માટે પીવાનું પાણી લાવવાનો એકમાત્ર રસ્તો હતો.
ત્રણ દાયકા સુધી એ પાણીને રોકવા માટે તે કોર્ટ ગયા, આંદોલન કર્યા. તેમણે ગુજરાતને બદનામ કરવામાં કોઈ કસર બાકી રાખી ન હતી. પરિણામ એ થયું કે, વિશ્વ બેંક સહિત દુનિયામાં કોઈપણ ગુજરાતને રૂપિયા ઉધાર આપવા તૈયાર ન થયું. કાલે કોંગ્રેસના એક નેતા એ બહેનના ખભે હાથ મૂકીને પદયાત્રા પર નીકળ્યા હતા, જેમણે આ આંદોલનની આગેવાની કરી હતી.’ પીએમ મોદી ઉપરાંત અમિત શાહ, જેપી નડ્ડાએ પણ કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં સામેલ થવા બદલ કોંગ્રેસ અને મેધા પાટકર પર નિશાન સાધ્યું હતું.