વિધાનસભાની ચૂંટણીની કામગીરીમાં શિક્ષકોની નિમણૂંક કરવામાં આવતા હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી છે. અરજીમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, ચૂંટણીની કામગીરીમાં શિક્ષકોની નિમણૂંકો કરવામાં આવતા વિદ્યાર્થીઓના શિક્ષણને માઠી અસર થઈ રહી છે.
એક તરફ વિદ્યાર્થીઓની ડિસેમ્બરના બીજા સપ્તાહમાં બીજા સત્રની પરીક્ષા યોજાવાની હોવાથી અભ્યાસક્રમ પૂરો કરવાની બાકી છે. આવામાં ચૂંટણી દરમિયાન શિક્ષકોને કામગીરીમાં સામેલ કરવાને લીધે સમયસર અભ્યાસક્રમ પૂરો કરવામાં મુશ્કેલી પડી રહી છે. હાઈ કોર્ટે આ અંગે ચૂંટણી પંચ અને શાળા સંચાલકો સમક્ષ રજૂઆત કરવાનો નિર્દેશ કર્યો છે. હાઈકોર્ટે અગાઉ ખાનગી સ્કૂલના શિક્ષકો ચૂંટણીની કામગીરી નહિં સોંપવા આદેશ કર્યા હતો છતાં ચૂંટણી કામગીરી સોંપવામાં આવતાં ચૂંટણી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.