છેલ્લા કેટલાય વર્ષોના અનુભવના આધારે એટલુ ચોક્કસ કહી શકાય કે વૈજ્ઞાનિકોએ ભલામણ કરેલી પાકની જાત, ખાતરોનું પ્રમાણ, જંતુનાશક દવાઓની માહિતી વગેરેની માહિતી ખેડૂતો સુધી વિવિધ કારણોસર ઓછી પહોંચી શકી છે. કારણ કંઈપણ હોય પરંતુ આજના સમયની આ કડવી વાસ્તવિકતા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર દેશમાં ખેતીની બદલાતી પરિસ્થિતિને લીધે તેમજ હાલ કોવીડ મહામારીને લીધે ખેડૂતોમાં હતાશા જોવા મળે છે.
હજુ થોડા વર્ષ પહેલા સુધી ખેતીવિષયક સાધન સામગ્રી, દવાઓ, બિયારણો. રાસાયણિક ખાતરો, ઓજારો વેંચતી મોટાભાગની દુકાનોમાં વેપારીઓ માટે ખેતીની કોઇપણ ડીગ્રી કે ડીપ્લોમા ફરજીયાત નહોતા. હાલ સરકારના નિયમ મુજબ આ પ્રકારના શોપ લાયસન્સ મેળવવા માટે કૃષિસંલગ્ન ડીગ્રી હોવી ફરજીયાત થયેલ છે. કેટલાક એગ્રો ડીલર્સે કૃષિ યુનિ. દ્વારા આયોજિત સર્ટીફીકેટ કોર્ષ કરેલ હોવાથી ખેડૂતોને સારી-સાચી માહિતી આપે છે. પરંતુ હજુ પણ અનેક સેન્ટર્સ પર લાયસન્સ ધારકને બદલે વેપાર કરવા બેસનાર વ્યક્તિ અલગ જ હોવાથી તેના અધુરા જ્ઞાન અથવા સ્વાર્થવૃતિને લીધે ખેડૂતો જાણેઅજાણે છેતરાતા હોય છે.
ખરેખર તો વેપારી જો વૈજ્ઞાનિક ખેતીથી પૂરેપૂરા જાણકાર હોય તો તેઓ ખેડૂતોને યોગ્ય ભલામણ સાથે ખેતીમાં વપરાતી વિવિધ દવાઓ, બિયારણ, ખાતર વગેરે વિશે પ્રમાણભુત માહિતી આપી શકે. આ વિષય અંગે કેટલાક વિચારો અત્રે રજુ કરેલ છે.
આજે દિવસે દિવસે ખેતી મોંઘી થવાના અનેક કારણો છે. જેમાં જમીનની ચકાસણી ન કરવી, સરકારમાન્ય બિયારણ વાપરવાને બદલે પડીકાં વાવવા. હવામાનની જાણકારી ન રાખવી, પાકમાં આવનારા રોગ-જીવાતોના નિયંત્રણ માટે આયોજનનો અભાવ, જૈવિક ખાતર અને દવાઓથી ઉદાસીનતા, જંતુનાશક દવા, રાસાયણિક ખાતર અને પિયત પાણીનો અવિચારી ઉપયોગ વગેરે મુખ્ય ગણાય.
આજે જ્યારે સોશ્યલ મીડિયાની વ્હોટ્સએપ યુનીવર્સીટીના માધ્યમથી અનેક કહેવાતા ખેતી નિષ્ણાંતો પોતપોતાના બેન્ડ-વાજા સાથે ખેતીના વિવિધ પ્રશ્નોના ઉકેલ માટે આડેધડ ઉપાયો સૂચવતા જોવા મળે છે, તેમજ તેમના હજારો ફોલોવર્સ ખેડૂતો જેતે ઉપાયની વધુ વિગત જાણ્યા વિના તેનો અમલ પણ કરવા લાગે છે.
આવી પરિસ્થિતિમાં દરેક ગામમાં પ્રમાણિત એગ્રો સેન્ટરની જરૂરીયાત વધતી જાય છે અને કમસે કમ તાલુકાદીઠ એક એવું સરકારી કે અર્ધસરકારી એગ્રો સેન્ટર શરૂ કરવું જોઈએ કે જ્યાં કૃષિશિક્ષણ લીધેલા નિષ્ણાંત અને અનુભવી યુવાનો ફરજ બજાવતા હોય. આ પ્રકારના એગ્રો સેન્ટર પર રહેલા કૃષિ નિષ્ણાતો પોતાના વિસ્તારના વાતાવરણમાં કોઈ પ્રતિકૂળ ફેરફાર થાય તો તત્કાળ બદલાયેલ હવામાન સાથે આવતી રોગ-જીવાંત અને તેના નિયંત્રણના ઉપાયો અંગે ખેડૂતોને જણાવી શકે.
ઉપરાંત આ સરકારી એગ્રો સેન્ટર હોવાથી ખેડૂતોને તેનાં પાકમાં આવેલ રોગ-જીવાતના નિયંત્રણ માટે સારી અને ખાનગી કંપનીની સરખામણીએ સસ્તી જંતુનાશક દવા મળી શકે. નિષ્ણાંતોની દેખરેખ હોવાથી આવી દવાનો આડેધડ ઉપયોગ પણ અટકાવી શકાય. હાલ ખેડૂતોમાં ખેતરની માટીની ચકાસણી કરાવવા પ્રત્યે ઉદાસીનતા જોવા મળે છે, આ જાગૃતિ ન હોવાથી મોટાભાગનાં ખેડૂતો પાસે પોતાના ખેતરમાં કયું ખાતર કેટલા પ્રમાણમાં વાપરવું તેનું વૈજ્ઞાનિક માપ હોતુ નથી. ફક્ત પરંપરાગત રીતે અથવા આસ-પડોસના ખેડૂતોની દેખાદેખીથી ખાતરોનો ઉપયોગ કરે છે.
જો ઉપરોક્ત પ્રકારના સરકારી સેન્ટર્સ બને તો ખેડૂતોને તેમની જમીનની પ્રત મુજબ અલગ-અલગ પાકોમાં જરૂરી મુખ્ય અને ગૌણ ખાતરો વિશેની માહિતી આપી શકાય અને મોંઘા ખાતરનો બગાડ અટકાવી શકાય. આવા સેન્ટર્સ ઉપર જ્યારે કોઈ ખેડૂત નુકશાન થયેલ પાકનો નમુનો લઈને આવે તો તેની યોગ્ય તપાસ કરી સ્થળ પરના કૃષિ તજજ્ઞ જે-તે નુકશાનથી બચવાના અને નિયંત્રણ માટેના જરૂરી ઉપાય કે ઉકેલ રૂબરૂ સમજાવી શકે.
આ વ્યવસ્થાના લાભની વાત કરીએ તો સૌથી પહેલા દવા અને ખાતરનો વધુ પડતો કે બિનજરૂરી ઉપયોગ અને ખેડૂતોની સાથે થતી છેતરપીંડી અટકશે. કોઈ એક રોગ કે જીવાતનાં નિયંત્રણ માટે વેપારી દ્વારા અપાતી બે-ચાર જાતની જંતુનાશક દવાઓને બદલે ફક્ત યોગ્ય કોમ્બીનેશનવાળી જરૂરી દવા મળશે, જેથી ખેડૂતોના પૈસાની બચત થવાની સાથે જમીન અને પર્યાવરણને થનાર નુકશાન પણ અટકશે. ખેડૂતોને વ્યાજબી ભાવે ગુણવત્તાયુક્ત ખાતર, બિયારણ, દવાઓ, ખેત-ઓજારો વગેરે મળી શકે છે.
સરકાર દ્વારા પ્રમાણિત નવા સુધારેલ બિયારણની સમયસર જાણકારી મળતા ખેડૂતો ઉન્નત બિયારણો ખરીદ કરી, વધુ આર્થિક લાભ મેળવી શકે. આવા સેન્ટર્સ પર જમીન ચકાસણીની સુવિધા હોવાથી ખેડૂતોએ માટીના રીપોર્ટ અને નવા વાવવામાં આવનાર પાક માટે જરૂરી સેન્દ્રીય તત્વો અને સુક્ષ્મ તત્વોયુક્ત ખાતરો ખરીદ કરવા માટે પ્રેરાશે તેમજ તેઓને અલગ અલગ જગ્યાના ધક્કા ખાવામાંથી મુક્તિ મળશે. આવા સેન્ટર્સ મોટેભાગે માર્કેટ યાર્ડમાં ખોલવામાં આવે તો ખેડૂતો એક પંથ, દો કાજ મુજબ તેનો સીધો જ લાભ લઈ શકે.
વળી આ સરકારી ઉપક્રમ હોવાથી તેમજ સરકારની વિવિધ યોજનાઓના લાભ સીધા જ ખેડૂતો સુધી પહોંચાડવું સરળ થઇ શકે છે. અને અંતમાં જે-તે વિસ્તારના યુવાનોને સ્થાનિક કક્ષાએ રોજગારી મળતા તેઓની શહેર તરફની દોટ અટકશે. સાથે જ વિદ્યાર્થીઓમાં કૃષિ શિક્ષણ મેળવવા પ્રત્યે રસ-રૂચી પેદા થશે. હાલ તો આ વિચાર વહેતો મુક્યો છે… જોઈએ કોણ તેને અમલમાં મુકાવે છે.
(આ આર્ટિકલ નરેન્દ્ર વાઘેલા દ્વારા લખવામાં આવ્યો છે)