ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાની મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયું છે. સવારથીજ મતદારોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. જો કે સવારે 8 વાગ્યે શરૂ થયેલી મતદાન પ્રક્રિયા 5 વાગ્યે પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે. પ્રથમ તબક્કાના મતદાનમાં મતદારોના અલગ અલગ રંગ જોવા મળી રહ્યા છે. ક્યાંક યુવા મતદારો પણ અલગ અલગ રીતે પોતાનો વિરોધ નોંધાવીને પણ મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. સુરતના વરાછામાં આવેલા ફૂલવાડા વિસ્તારમાં તો એક એવો મતદાર જોવા મળ્યો, જેના ખભે ગેસનો બાટલો હતો. આ મતદારને ગેસનો બાટલો રાત્રે સપનામાં દેખાયો એટલે સવારે ઉઠીને ગેસનો બાટલો લઈને મતદાન કરવા પહોંચી ગયો.
તો બીજી તરફ 18 વર્ષ પૂર્ણ કર્યા બાદ મતદાનનો હક્ક મળ્યો હોવાથી લોકશાહીના આ પર્વને તેઓ યાદગાર બને તે રીતે મનાવી રહ્યા છે. ત્યારે સુરતના પાર્લે પોઇન્ટ વિસ્તારમાં રહેતા બે સગા ભાઈ બહેનનો પ્રથમ વખત મત આપવાનું યાદગાર બનાવવા અનોખો પ્રયાસ કર્યો હતો. લોકશાહીના અસલી રાજા તો મતદાર જ ગણાય છે. ત્યારે રાજાની જેમ ઠાઠમાં ઘોડેસવારી કરીને સગા ભાઈ બહેને પોતાના પ્રથમ મતને યાદગાર બનાવ્યો હતો.
તો બીજી તરફ તાપી જિલ્લામાં આ વખતે સૌથી વધુ મતદાન થયું તેવા અહેવાલ મળી રહ્યા છે. તો બીજી તરફ વ્યારા શહેરના દાદરી ફળિયામાં રહેતા પ્રફૂલ્લે પોતાના લગ્નના સમયમાં ફેરફાર કર્યો હતો. તેમના લગ્ન સવારે થવાના હતા. પરંતુ મતદાન કરવાનું હોવાથી તેમણે લગ્નના સમયમાં ફેરફાર કરી લગ્નનો સમય સાંજનો નક્કી કર્યો હતો.