અમદાવાદ શહેરના મેઘાણીનગર અને એરપોર્ટ પોલીસ સ્ટેશનના બે પોલીસ કોન્સ્ટેબલ ચૂંટણી ફરજ દરમ્યાન તાપી જિલ્લાના પીઠદરા ગામની પ્રાથમિક શાળામાં દારૂ પીધેલી હાલતમાં અંદોર અંદર તકરાર કરતા સ્થાનિક પોલીસે ઝડપી લીધા હતા. તાપી જિલ્લાના પીઠાદરા પોલીસના મોબાઈલ ઈન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ ગિરીરાજસિંહની ટીમ સાથે બુધવારે પોલિંગબૂથો પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ અને હોમગાર્ડ અને જીઆરડીના સભ્યોને ચેક કરી રહ્યા હતા.
આ વખતે ડોલવણ પોલીસ સ્ટેશનના પીએસઆઈ આર જી વસાવાએ તેમને ફોન કર્યો હતો કે, પીઠદરા ગામમાં આવેલા પોલિંગબૂથ પર બે પોલીસ કર્મચારીઓ દારૂ પીધેલી હાલતમાં અંદરો અંદર તકરાર કરી રહ્યા છે. પોલીસની ટીમને મેસેજ મળતા સ્થળ પર દોડી ગયા હતા. જ્યાં બૂથ પર અમદાવાદ શહેરના મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મયૂરધ્વસિંહ સતુભા ગોહિલ તથા એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ મુકેશકુમાર શ્યામરાવ કુંવર બકવાસ કરતા મળી આવ્યા હતા. પોલીસે તેમને ચેક કરતા બંને દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. જેથી ડોલવણ પોલીસે બંને પોલીસ કર્મચારીઓ વિરૂધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.