બોલિવુડના જાણીતા સિંગર જુબિન નૌટિયાલનો એક ડિસેમ્બરે થયો છે. જે બાદ તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ પ્રમાણે, ગુરુવારે વહેલી સવારે જુબિન નૌટિયાલ એક બિલ્ડિંગની સીડી પરથી પડી ગયો હતો. જે બાદ તેને સારવાર માટે મુંબઈની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. રિપોર્ટ મુજબ, પડી જવાના કારણે જુબિનની કોણી ઉપરાંત પાંસળીઓ અને માથામાં સામાન્ય ઈજા પહોંચી હતી. અકસ્માત બાદ જુબિનના જમણા હાથનું ઓપરેશન કરવાનું હોવાની વિગતો સામે આવી છે. હાલ તો ડૉક્ટરોએ જુબિનને જમણા હાથનો ઉપયોગ ના કરવાની સલાહ આપી છે. શુક્રવારે સવારે જુબિન નૌટિયાલ મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો. ત્યારે તેના હાથમાં પાટો બાંધેલો દેખાઈ રહ્યો હતો.
ગત અઠવાડિયે જુબિન નૌટિયાલે દુબઈમાં લાઈવ કોન્સર્ટમાં પર્ફોર્મ કર્યું હતું. આ અંગે તેણે કહ્યું હતું કે, દુબઈના લોકો ખૂબ પ્રેમાળ છે અને અહીં પર્ફોર્મ કરવાની હંમેશા મજા આવે છે. તેણે કહ્યું હતું કે, થોડા દિવસમાં તહેવારોની સીઝન શરૂ થશે ત્યારે સેલિબ્રેશનની આનાથી વધુ સારી શરૂઆત ના હોઈ શકે.
જુબિન નૌટિયાલ જાણીતો સિંગર છે. તેના કંઠે ગવાયેલા ‘રાતા લંબિયા’, ‘લૂટ ગયે’, ‘હમનવા મેરે’, ‘તુજે કિતના ચાહને લગે હમ’, ‘તુમ હી આના’, ‘બેવફા તેરા માસૂમ ચહેરા’ સહિતના કેટલાક ગીતો લોકોના મોઢે ચડેલા છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીની ફિલ્મ ‘શેરશાહ’ના ગીત ‘રાતા લંબિયા’ માટે જુબિન નૌટિયાલને આ વર્ષે જ બેસ્ટ પ્લેબેક સિંગરનો અવોર્ડ પણ મળ્યો હતો. જુબિને 2014માં આવેલી ફિલ્મ ‘સોનાલી કેબલ’ના ગીત ‘એક મુલાકાત’ દ્વારા ભારતીય મ્યૂઝિક ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. જે બાદ જુબિને એક પછી એક હિટ ગીતો આપ્યા છે.