બહુ ચર્ચિત પંજાબી સિંગર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડ મામલે પોલીસને મોટી સફળતા મળી છે. ભારતીય ઈન્ટેલિજન્સ એજન્સીના સૂત્રોના જણાવ્યા અનુસાર સિદ્ધૂ મૂસેવાલા હત્યાકાંડનો મુખ્ય આરોપી ગોલ્ડી બરાડની ધરપકડ કરી લેવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ગોલ્ડી બરાડને કેલિફોર્નિયાથી પકડી લેવામાં આવ્યો છે. જોકે, ગોલ્ડી બારડની ધરપકડ અંગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ગેંગસ્ટર ગોલ્ડી બારડ લોરેન્સ બિશ્નોઈનો નજીકનો વ્યક્તિ માનવામાં આવે છે. મૂસેવાલાના પિતાએ તેમના દીકરાના હત્યા કેસમાં ગુરુવારે જ કેન્દ્ર સરકારને રજૂઆત કરી હતી. આ કેસે સમગ્ર ભારતમાં ઘણી ચર્ચા જગાવી હતી.
ગોલ્ડી બરાડે હત્યાનું ષડ્યંત્ર રચ્યું
ગોલ્ડી બરાડ સામે પાછલા દિવસોમાં ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ મોકલી હતી. ગોલ્ડી બરાડ કેનેડામાં બેસીને સિદ્ધૂ મૂસેવાલાની હત્યાનું ષડ્યંત્ર રચ્યું હતું. આ મામલે દિલ્હીની તિહાર જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈને પણ પૂછપરછ કરવામાં આવી રહી છે. ગોલ્ડી બરાડ લોરેન્સ બિશ્નોઈના નજીકના લોકોમાંથી એક છે. બંન્ને કૉલેજ સમયથી સાથે છે. ગોલ્ડી બરાડ પર હત્યા, હત્યાની કોશિશ, ગુનાહિત ષડ્યંત્ર રચવું અને હથિયારોની તસ્કરી કરવાનો આરોપ છે.
મે મહિનામાં કરાઈ મૂસેવાલાની હત્યા
સિદ્ધૂ મૂસેવાલાની આ વર્ષે 29મી મેના રોજ પંજાબના માનસાના જવાહરકે ગામમાં હત્યા કરાઈ હતી જે સમયે હત્યા થઈ ત્યારે મૂસેવાલા પોતાની થાર ગાડીમાં સવાર હતા અને ક્યાંક જઈ રહ્યા હતા. આ દરમિયાન છ હુમલાખોરોએ તેમની ગાડીને ઘેરીને ફાયરિંગ કર્યું હતું. આ કેસમાં ચાર શૂટરની ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બેને એન્કાઉન્ટરમાં ઠાર કરી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા.