પાકિસ્તાની ફિલ્મ ‘ધ લીજેન્ડ ઓફ મૌલા જટ્ટ’ની રીલીઝના મુદ્દે મોદી સરકાર મૂંઝવણમાં મુકાઈ ગઈ છે. ભારતમાં 23 ડિસેમ્બરે ફિલ્મ રિલીઝ કરવાની ક્વાયત હાથ ધરવામાં આવી છે. પંજાબીઓને આ ફિલ્મ બહુ ગમી હોવાનું કહેવાય છે પણ ફિલ્મ પાકિસ્તાનની હોવાથી તેને રીલીઝ કરવાની મંજૂરી આપવા જતાં રાજકીય નુકસાન થવાનો સરકારને મોટો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાનમાં 13 ઓક્ટોબરે રિલીઝ થયેલી ફવાદ ખાન અને માહિરા ખાન અભિનીત તથા નિર્દેશક બિલાલ લશરીની આ ફિલ્મ પાકિસ્તાનની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. ‘ધ લેજેન્ડ ઓફ મૌલા જટ્ટ’એ પાકિસ્તાનમાં 200 કરોડ રૂપિયાની કમાણી કરી છે. યુકેમાં તો બોક્સ ઓફિસ પર આરઆરઆર અને કેજીએફ ટુ કરતાં પણ તેની કમાણી વધારે છે. વિદેશમાં આ ફિલ્મે અત્યાર સુધીમાં 1 કરોડ ડોલરથી વધુની કમાણી કરી છે.
ભારતીય ક્રિકેટ ટીમને એશિયા કપમાં રમવા પાકિસ્તાન મોકલવાના મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. આ માહોલમાં પાકિસ્તાની ફિલ્મને ભારતમાં રીલીઝ કરવા દેવાય તો વિપક્ષોને મોટો મુદ્દો મળી જશે એવો પણ સરકારને ડર છે.