દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીના પરિણામ આવી ગયા છે. ગુજરાતમાં ચૂંટણી થઈ તે ગાળામાં જ અહીં પણ ચૂંટણી થઈ હતી, જેમાં એક્ઝિટ પોલ્સમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળશે તેમ જણાવાયું હતું, અને પરિણામ પણ કંઈક એવું જ આવ્યું છે. ભાજપ અહીં છેલ્લા 15 વર્ષથી સત્તા પર હતો, પરંતુ આ ચૂંટણીમાં પણ તેણે આમ આદમી પાર્ટીને જોરદાર ટક્કર આપી છે, જ્યારે કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે.
કેજરીવાલ કદાચ દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશની ચૂંટણી જીતીને ખુશ ચોક્કસ હશે, પરંતુ તેમના વોટ શેરમાં જે ગાબડું પડ્યું છે તે તેમના પક્ષ માટે ચોક્કસ ચિંતાજનક કહી શકાય તેવું છે. AAPને આ ચૂંટણીમાં 42 ટકા જેટલા વોટ મળ્યાનો પ્રાથમિક અંદાજ છે, જોકે વિધાનસભા ચૂંટણીમાં તેનો વોટ શેર 53.57 ટકા જેટલો ઉંચો હતો. ત્યારે એ સવાલ પણ ચોક્કસ થાય કે AAPના 11 ટકા વોટ કોણ લઈ ગયું?
દિલ્હી મ્યુ. કોર્પોરેશનની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને AAPને મળેલા વોટશેર પર નજર કરીએ તો, AAPને 42.35, ભાજપને 39.23 અને કોંગ્રેસને 12.6 ટકા વોટ મળ્યા છે, જ્યારે બહુજન સમાજ પાર્ટીને 1.65 વોટ મળ્યા છે, આ સિવાય આ ચૂંટણીમાં સામેલ થયેલા એકેય પક્ષને 1 ટકાથી વધુ મત નથી મળ્યા.