ભરૂચના ભાજપ સાંસદ મનસુખ વસાવાએ ફરીથી એક વાર રેતી ખનન માફીયાઓ વિરૂદ્ધ મોરચો માંડયો છે. એમણે કેન્દ્ર સરકારના જળમાર્ગ મંત્રી સર્વાનંદ સોનોવાલને પત્ર લખી રજુઆત કરી છે કે, નર્મદા નદી કિનારે રેતી માફીયાઓ ગેરકાયદેસર રીતે રેતી ખનન કરે છે. એમણે એવો પણ આક્ષેપ લગાવ્યો છે કે રેતી માફિયાઓને રેતી ખનનમાં મોટા રાજકીય નેતાઓનો સાથ મળી રહયો છે.
ભાજપ સાંસદ મનસુખ વસાવાએ લખેલા પત્રમાં જણાવ્યું કે, નર્મદા નદી પવિત્ર નદી છે જેનો પુરાણોમાં પણ ઉલ્લેખ કર્યો છે, દેશભર માંથી હજારોની સંખ્યામાં સાધુઓ અને લોકો નર્મદા પરિક્રમા અને દર્શન કરવા આવે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનવાથી વધુ લોકો આવી રહ્યા છે. વધુમાં એવો આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ગુજરાતના નર્મદા નદીના કિનારે રેતી માફીયાઓ આધુનિક મશીનોથી સરકારી નિયમ વિરુદ્ધ 25 થી 30 ફુટ ખાડા ખોદી રેતી કાઢે છે. જેને લીધે લીલા વૃક્ષો લુપ્ત થઈ રહ્યા છે, નર્મદા નદીનું રમણીયતા અને સૌંદર્ય ખતમ થઈ રહ્યું છે, નદીમાં પડી ગયેલા મોટા ખાડામાં લોકો ડૂબીને મરી રહ્યા છે.
રોયલ્ટી વગર રેતી ખનનમાં વપરાતા વાહનો રસ્તા પરથી પૂરપાટ ઝડપે જતાં હોવાના કારણે અકસ્માતમાં પણ ઘણા વધ્યા છે અને ઘણા અકસ્માતોમાં નાના બાળકોના મૃત્યુ થયા છે. ગેર કાયદેસર રેતી ખનનને લીધે આસપાસના લોકોને ઘણી તકલીફ સહન કરવી પડે છે, આસપાસના લોકોએ ઘણાં આંદોલનો પણ કર્યા છે. રેતી ખનનનો મુદ્દો મે સંસદમાં પણ ઉઠાવ્યો હતો, અને કેન્દ્રીય મંત્રી તથા ગુજરાત સરકારને પત્ર લખી આ મુદ્દે અવગત કર્યા હતા. પ્રિન્ટ મીડિયા અને ઈલેક્ટ્રોનિક મીડિયામાં પણ આના અહેવાલો આવ્યા છે. પરંતુ રેતી માફિયા તથા મોટા રાજકીય નેતાઓની મીલીભગતને કારણે રાજ્યના અધિકારીઓ કોઈ કાર્યવાહી કરી શકતા નથી અને જો કોઈ કાર્યવાહી કરે છે તો એ પણ ફકત દેખાવા ખાતર કરે છે. મારી રજુઆત છે કે ગુજરાત વાસીઓ માટે નર્મદા નદી કિનારે થતા ગેરકાયદેસર રેતી ખનન પર તાત્કાલિક રોક લગાવવામાં આવે.