બૈતુલ જિલ્લાના માંડવી ગામમાં એક ખુલા બોરવેલમાં ફસાયેલા તન્મયનું આખરે મોત નીપજ્યું છે. તન્મયનું મોત થતા શિવરાજસિંહ ચૌહાણે દુઃખ વ્યક્ત કર્યું હતું. સીએમ શિવરાજસિંહે કહ્યું કે, દુઃખના આ સમયમાં તેઓ પીડિત પરિવારની સાથે છે. સીએમ શિવરાજસિંહે ટ્વિટ કરીને કહ્યું કે, બૈતૂલના માંડવી ગામમાં બોરવેલમાં પડેલા માસૂમ તન્મયને ખૂબ જ પ્રાયસો બાદ પણ બચાવી ન શક્યા એ વાતનું ખૂબ જ દુઃખ છે.
ઈશ્વર દિવંગત આત્માને શાંતિ અને પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું. દુઃખના આ સમયમાં તન્મયનો પરિવાર પોતાને એકલો ન સમજે, હું અને મધ્યપ્રદેશ પરિવારની સાથે છીએ. સીએમ શિવરાજ સિંહે કહ્યું કે, રાજ્ય સરકાર દ્વારા પીડિત પરિવારને ચાર લાખ રુપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. ઈશ્વર દિવંગતના આત્માને પોતાના ચરણોમાં સ્થાન આપે. મહત્વનું છે કે, મંગળવારે તન્મય રમતા રમતા એક ખુલા બોરવેલમાં પડી ગયો હતો.