દેવાયત ખવડ એટલે વિવાદનું બીજું નામ એમ કહીએ તો પણ ખોટું ન પડે, કારણ કે તે અનેક વાર અવનવા વિવાદમાં ઘેરાયેલા રહે છે. પહેલા તો શાબ્દિક પ્રહાર જ કરતા હતા અને અત્યારે ખુલ્લેઆમ દાદાગરી કરતા નજરે ચડ્યા છે. આ પહેલા પણ રાજપૂત અને આહિર સમાજની લાગણી દુભાયાની બે ઘટનામાં ખૉવડ પર ગુસ્સો હતો. જે બાદ તેમણે માફી માગતો વીડિયો પણ જાહેર કર્યો હતો. ત્યારે હવે દેવાયત ખવડ બરાબરના ભીંસમાં આવી ગયા છે. દેવાયત ખવડે રાજકોટના સર્વેશ્વર ચોક નજીક મયુરસિંહ રાણા નામના યુવક પર કારમાંથી ઉતરી ડંડા વડે જીવલેણ હુમલો કર્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યા બાદ પોલીસમાં તેનો ગુનો નોંધાયો હતો. જે બાદ તપાસ માટે જ્યારે પોલીસની ટીમ તેમના ઘરે પહોંચી તો કલાકાર ફરાર થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે ફરિયાદી મયુરસિંહ રાણાએ પોતાની વાત કરી હતી કે આજથી એકાદ વર્ષ પૂર્વે દેવાયત ખવડની બાજુમાં રહેતા મારા મામાને ત્યાં પાર્કિંગ બાબતે એમની સાથે માથાકૂટ થઈ હતી. જે બાબતનો ખાર હજુ પણ દેવાયત ખવડે રાખ્યો અને હવે એ અને બીજા એક ભાઈએ મારા પર હુમલો કર્યો હતો. જ્યારે કે અન્ય એક વ્યક્તિ કાર ચાલક તરીકે મદદગારીમાં હતો. સમગ્ર બનાવ બાદ લોક સાહિત્યકાર દેવાયત ખવડ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં હત્યાની પ્રયાસ સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો અને હવે કલાકાર સાહેબ ફરાર થઈ ગયા છે.