ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભરૂચ જિલ્લાની ઝઘડિયા વિધાનસભા બેઠક ઉપર છેલ્લા સાત ટર્મથી એટલે કે 1990થી એક હથ્થુ શાસન ચલાવતા આદિવાસી નેતા છોટુ વસાવા પાસેથી ભાજપે બેઠક આંચકી લીધી છે. આઝાદી બાદ સૌપ્રથમ વાર ઝઘડિયા બેઠક પર ભગવો લહેરાયો છે અને આદિવાસી નેતા છોટુ વસાવાના રાજકીય બે ચેલાઓએ જ છોટુ વસાવાનો જ અંત આણ્યો છે.
આઝાદી બાદ સૌપ્રથમ વાર ઝઘડિયા વિધાનસભા ઉપર ભાજપના રીતેશ વસાવાએ ઐતિહાસિક જીત મેળવી કમળ ખીલાવી 1990થી પોતે જ એક પક્ષ અને પોતે જ એક પાર્ટી ગણાવતા છોટુ વસાવાના શાસનનો અંત લાવ્યો છે. એક સમયના છોટુ વસાવાના જ રાઇટ એન્ડ લેફ્ટ હેન્ડ ગણાતા રીતેશ વસાવા અને પ્રકાશ દેસાઇએ પોતાની રાજકીય કારકિર્દી ઝઘડિયા તાલુકા પંચાયતથી શરૂ કરી હતી.
રામ-લક્ષ્મણની જોડી તરીકે જાણીતા પ્રકાશ દેસાઇ અને ઝઘડિયા ભાજપના ધારાસભ્ય રીતેશ વસાવા છોટુ વસાવા પાસે જ રાજકીય કાવાદાવા શીખ્યા છે. છોટુ વસાવાએ તેઓને નહિ સાચવતા છેલ્લા બે વર્ષથી તેઓ છોટુ વસાવાથી છુટા પડી ભાજપ સાથે જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ સૌપ્રથમ વાર રામ લક્ષ્મણની જોડીએ ઝઘડિયા તાલુકા પંચાયતની 22 સીટ પૈકી 19 બેઠક ઉપર ભાજપનો ભગવો લહેરાવ્યો હતો.
ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય તરીકે વિજેતા થયેલા રીતેશ વસાવાએ જણાવ્યું હતું કે, તેઓ પ્રજાલક્ષી વિકાસના કામને વેગ આપવા માંગે છે તો સાથે સાથે તેઓ રાજ્ય સરકાર દ્વારા ધારાસભ્ય તરીકે પોતાને મળતા વેતનમાંથી ઝઘડિયા વિધાનસભાના ત્રણેય તાલુકાઓની વિધવા મહિલાઓ માટે સહાયતા કરવાની વાત કરી હતી તો આદિવાસી નેતા છોટુ વસાવાએ હારનું ઠીકરું EVM પર ફોડ્યું હતું.