અરુણાચલ પ્રદેશમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઝપાઝપી થઈ છે. આ ઘટનામાં બન્ને પક્ષે સૈનિકો ઈજાગ્રસ્ત થયા છે. આ ઘટના તવાંગ જિલ્લાના યંગસ્ટેમાં થઈ છે. સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે આ ઘટના 9 ડિસેમ્બર,2022ના રોજ સર્જાઈ હતી. મળતી માહિતી પ્રમાણે પીપલ્સ લિબરેશન આર્મી LAC સુધી પહોંચી હતી. ચીનના સૈનિકોનો ભારતીય સૈનિકોએ બહાદુરીથી સામનો કર્યો હતો. આ સ્થિતિમાં બન્ને સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી. આ ઘટનામાં 20થી 30 સૈનિકો ઈજાગ્રસ્ત થયા હતા.
સંરક્ષણ મંત્રાલના જણાવ્યા પ્રમાણે બંન્ને દેશના સૈનિકો થોડીવારમાં જ ઘટના સ્થળથી પીછે હઠ કરી હતી. ઘટના બાદ ઈન્ડિયન આર્મીના કમાન્ડર અને ચીનના કમાન્ડર નિર્ધારિત પ્રક્રિયા પ્રમાણે ફ્લેગ મિટીંગ કરી હતી, જેથી શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે.
અત્રે ઉલ્લેખનીય છે કે અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LAC નજીક કેટલાક એવા વિસ્તાર છે કે જ્યાં ચીન ગેરકાયદેસર રીતે દાવેદારી નોંધાવી રહ્યું છે. આ વિસ્તારમાં ભારતીય જવાન LAC પર ચીનની કોઈ પણ હરકતનો જડબાતોડ જવાબ આપી રહ્યા છે.