હીરા નગરી સુરતમાંથી ક્રાઈમ બ્રાન્ચે ISI એજન્ટની ધરપકડ કરી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચને આર્મી ઈન્ટેલિજન્સ વિંગના કમાન્ડ દ્વારા બાતમી આપવામાં આવી હતી કે દીપક કિશોર સાળુંખે નામનો ISI એજન્ટ સુરત શહેરમાંથી પાકિસ્તાની જાસૂસી સંસ્થાને ગુપ્ત માહિતી પહોંચાડે છે. સુરત શહેરના યોગેશ્વર પાર્ક સોસાયટીના ભુવનેશ્વરી નગરમાં રહેતો દીપક કિશોર સાળુંખે ISIમાં રેસિડેન્ટ એજન્ટ તરીકે કામ કરતો હતો. તેમજ સાલુંખે નાણાંકીય મોડ્યુલ ચલાવતો હોવાની માહિતી પણ સામે આવી છે.
દીપક સાળુંખે એક ISI એજન્ટ પાકિસ્તાનના બે હેન્ડલર, હમીદ અને કાશિફના સંપર્કમાં હતો અને તે પાકિસ્તાની હેન્ડલર્સને સંવેદનશીલ માહિતી આપતો હતો. એવી પણ માહિતી મળી છે કે આરોપી દીપક સાળુંખે ગુજરાતમાં ISIનું નાણાકીય મોડ્યુલ ચલાવતો હતો. આ વ્યક્તિ ગુપ્તચર માહિતી આપતા અધિકારીઓ અને બાતમીદારોને પૈસા પૂરા પાડતો હતો. ISI એજન્ટ પોતાની ઓળખ છૂપાવવા અને પોતાની જાસૂસી પ્રવૃત્તિઓને સરળ બનાવવાના ઈરાદાથી સાઈ ફેશન્સના નામે દુકાન ચલાવતો હતો. ક્રાઈમ બ્રાન્ચે સુરતમાંથી આ આઈએસઆઈ એજન્ટની ધરપકડ કરી આગળની કાર્યવાહી માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને સોંપી દીધો છે.