અમદાવાદમાં બુધવારે પીએમ મોદી અને મહંત સ્વામીના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરાયો. શાસ્ત્રોક્ત વિધિથી આ મહોત્સવના ઉદ્ઘાટન પછી પીએમ મોદીએ પોતાના ભાષણમાં પ્રમુખસ્વામી સાથેના પોતાના સંસ્મરણો જણાવ્યા હતા.. તેમણે કહ્યું કે, પહેલા કહેવાતું હતું કે, સાધુ થવું હોય તો સ્વામિનારાયણના બનો, લાડવા ખાવા મળશે. પરંતુ પ્રમુખસ્વામીએ સંત પરંપરાને સંપૂર્ણ રીતે બદલી નાખી. તેમણે જણાવ્યું કે, પ્રમુખસ્વામી અને તેમનો સંબંધ પિતા-પુત્ર જેવો છે.
પીએમ મોદીએ આ મહોત્સવમાં સાથી, સાક્ષી અને સારથી બનવાનું સૌભાગ્ય મળ્યું તે માટે આભાર માનતા કહ્યું કે, અહીં જેટલો પણ સમય વિતાવ્યો તેના પરથી લાગે છે કે, અહીં દિવ્યતાનો અનુભવ છે, અહીં સંકલ્પોની ભવ્યતા છે. અહીં હવા શુદ્ધ અને બધા માટે છે.
વડાપ્રધાને કહ્યું કે, ‘અહીં ભારતનો દરેક રંગ દેખાય છે. આ મહોત્સવ દેશ અને દુનિયાને આકર્ષિત કરશે અને પ્રભાવિત કરશે. આવનારી પેઢીઓને પ્રેરિત કરશે. અહીં વસુધૈય કુટુંબકમની ભાવના જોવા મળી રહી છે.’ તેમણે જણાવ્યું કે, યુએનમાં પણ પ્રમુખસ્વામી શતાબ્દી સમારંભ ઉજવાયો હતો, એ દર્શાવે છે કે, તેમના વિચાર કેટલાક શાશ્વત છે.
પીએમએ પ્રમુખસ્વામી સાથેની મુલાકાતોને યાદ કરતા જણાવ્યું કે, બાળપણથી જ મને કંઈક આવા ક્ષેત્રનું આકર્ષણ રહ્યું. પ્રમુખસ્વામીના દૂરથી દર્શન કરવાનો લાભ મળતો હતો. વર્ષો પછી મને એકલામાં તેમની સાથે સત્સંગ કરવાનું સૌભાગ્ય મળ્યું. એ પૂરો સમય ન કોઈ ધર્મ, ન કોઈ ઈશ્વર, ન કોઈ આધ્યાત્મની ચર્ચા થઈ, માત્ર સેવા… માનવ સેવા પર ચર્ચા કરતા રહ્યા. તેમનો એક જ સંદેશ હતો કે, જીવનનો સર્વોચ્ચ લક્ષ્ય સેવા જ હોવો જ જોઈએ. પીએમ મોદીએ જણાવ્યું કે, પ્રમુખસ્વામી મહારાજ તેમની પાસે આવનારી વ્યક્તિની ક્ષમતા પ્રમાણે તેમને સત્સંગ અને પ્રવચન આપતા હતા. તેમણે કહ્યું કે, ‘ ડો. અબ્દુલ કલામ વૈજ્ઞાનિક હતા, તેમને પણ તેમની પાસેથી શીખવા મળતું હતું અને મારા જેવા સામાજિક કાર્યકરને પણ તેમની પાસેથી ઘણું શીખવા મળતું હતું.’
એમ મોદીએ જણાવ્યું કે, ‘પ્રમુખસ્વામી મહારાજે સંત પરંપરાને પૂરી રીતે બદલી નાખી. પ્રમુખસ્વામી મહારાજ ઇચ્છતા તો ગાંધીનગર કે અમદાવાદ જેવા મોટા શહેરોમાં રહી શકતા હતા. પણ તેમણે સાળંગપુરમાં રહેવાનું પસંદ કર્યું. જ્યાં તેમણે સંતોને ટ્રેનિંગ આપવા ટ્રેનિંગ સેન્ટર શરૂ કર્યું. તેઓ દેવ ભક્તિ અને દેશ ભક્તિમાં અંતર નહોતા રાખતા.’
પ્રમુખસ્વામીનો પોતાના પર કેટલો સ્નેહ રહ્યો છે તે અંગે વાત કરતા પીએમ મોદીએ જણાવ્યું કે, ‘હું 2002માં પહેલી વખત ચૂંટણી લડતો હતો. રાજકોટથી લડતો હતો. ત્યાં બે સંત હતા. તેમના હાથમાં એક ડબો હતો. જેમાં પેન હતી. સંતોએ કહ્યું કે, પ્રમુખસ્વામીએ મોકલી છે અને કહ્યું છે કે, ઉમેદવારી પત્ર ભરવા જાઓ ત્યારે આનાથી સહી કરજો. કાશીમાં તો પેન ભાજપના રંગની હતી.