ગુજરાતના હવામાનમાં પલટો આવતા ગુરૂવારે રાજ્યના ઘણાં બધાં ભાગોમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું. અને ક્યાંક-ક્યાંક કમોસમી વરસાદ પણ થયો હતો. અમદાવાદમાં પણ સામાન્ય છાંટા પડ્યા હતા. રાજ્ય પર વાવાઝોડાનો ખતરો નથી, પરંતુ દરિયામાં જે પ્રકારનો કરંટ જોવા મળી રહ્યો છે તેના કારણે માછીમારોને સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
ક્યાં પડી શકે છે વરસાદ ?
ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં નર્મદા, તાપી, છોટા ઉદેપુર અને ડાંગમાં હળવો વરસાદ થવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગોમાં હવામાન સૂકું રહી શકે છે. રાજ્યમાં ગઈકાલે તથા ગુરુવારે કમોસમી વરસાદ થવાની આગાહી હવામાન વિભાગની વેબસાઈટ પર કરવામાં આવી છે.
પાકને નુકાશાન થવાની ભીંતિ
હવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડે તો, ખેડૂતોના પાકને મોટા પાયે નુકસાન થવાની શક્યતા છે. કારણ કે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ડાંગરનો પાક લીધા બાદ, વિવિધ પ્રકારના શાકભાજી તેમજ ભીંડાની ખેતી કરતા હોય છે. પરંતુ વાંદળછાયું વાતવરણ રહેવાથી તેમજ માવઠું પડવાથી ખેડૂતોનો પાક યોગ્ય રીતે ઉગી શકતો નથી.તેમજ ઉગેલા પાક પર માવઠું પડવાથી પાક ચીમળાઈ જાય છે. અને છેવટે પાકનો વિકાસ અટકી જતો હોય છે. જેના કારણે જગતના તાતને મુશ્કેલી વેઠવાનો વારો આવતો હોય છે.