અભિનેત્રી વિદ્યા બાલન બોલિવુડની પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંથી એક છે. વિદ્યાએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં અનેક અભિનેતાઓ સાથે કામ કર્યું છે. અને તેમની સાથેની જોડી પણ દર્શકોને ખૂબ પસંદ આવી છે. જો કે, વાસ્તવિક જીવનમાં વિદ્યાને પ્રોડ્યુસર સિદ્ધાર્થ રોય કપૂર સાથે પ્રેમ થયો અને તેમણે લગ્ન કર્યા. ગુરૂવારે તેમના લગ્નને દસ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે તમને જણાવીએ કે તેમની લવસ્ટોરી કેટલી રસપ્રદ છે.
વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરની લવસ્ટોરીની શરૂઆત ફિલ્મફેર એવોર્ડ્સના બેકસ્ટેજ પર થઈ હતી. સિદ્ધાર્થને પહેલી જ નજરમાં વિદ્યાથી પ્રેમ થઈ ગયો હતો. ત્યારબાદ તેમની પહેલી મુલાકાતનું પ્લાનિંગ બંનેના કોમન ફ્રેન્ડ કરણ જોહરે કર્યું હતું. પહેલા મિત્રો બનેલા વિદ્યા બાલન અને સિદ્ધાર્થ રોય કપૂરને બાદમાં અહેસાસ થયો કે તેઓ એકબીજા વગર નહીં રહી શકે. એક દિવસ સિદ્ધાર્થ રોય કપૂરે વિદ્યા સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો અને એક પ્રાઈવેટ સેરેમનીમાં બંનેએ સાત ફેરા ફર્યા. મહત્વનું છે કે, વિદ્યા બાલન સિદ્ધાર્થ રોય કપૂરની ત્રીજી પત્ની છે.