કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો શાતિર કેમ ના હોય પરંતુ તે એકને એક દિવસ પોલીસ સંકજામાં આવી જ જતો હોય છે. અને એવું જ કંઈક બન્યું છે નર્મદા જિલ્લાના સાગબારામાં જી હા સમગ્ર ઘટનાની વાત કરીએ તો, નર્મદા જિલ્લામાં અસામાજિક પ્રવૃતિ કરનાર તત્વો પર જિલ્લા પોલીસ અધિક્ષક પ્રશાંત સુંબેએ વોચ રાખી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. જે અંતર્ગત પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મહારાષ્ટ્ર તરફથી એક આઇસર ટેમ્પો લસણની બોરીઓની નીચે ગેરકાયદેસર માદક પદાર્થ પોષ ડોડાની બોરીઓ લઇને જાય છે.
તેવી ચોક્કસ બાતમી મળતા સાગબારા જુના આર.ટી.ઓ. ચેક પોસ્ટ પાસે નાકાબંધી કરી તપાસ કરતા, બાતમીવાળો આઇસર ટ્રક નંબર એચ.આર. ૭૩ ૪૯૯૭નો કેસરી કલરનો ટેમ્પો આવતા તેને રોકી અંદર બેસેલા ડ્રાઇવર તથા ક્લીનરનું નામઠામ પુછપરછ કરતા તેમણે પોતાનું નામ ભંવરલાલ સુડારામ બિશ્નોઇ, અણદારામ શૈતાનારામ બિશ્નોઇ જણાવ્યું હતું. પોલીસે તેમના ટેમ્પાની ઝડતી કરતાં લસણની બોરીઓની નીચે તપાસ કરતાં મીણીયાની થેલાઓમાં માદક પદાર્થ એટલે કે અફીણના પોષ ડોડા ૧૧૩૨ કિલો ૩૧૬ ગ્રામની કિમત રૂપિયા ૩૩,૯૬,૯૪૮ મળી આવ્યો હતો. આ બનાવમાં પોલીસે બે શખ્સની ધરપકડ કરી અન્ય બે જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા વિવિધ ટીમો બનાવી વધુ તપાસ હાથ ધરી છે.